અભયમ હેલ્પલાઇનથી પતિ-પત્નીનું સમાધાન, પરિવાર ફરી એક થયો:વાપીમાં ચાર મહિનાથી અલગ રહેતા દંપતીનું સુખદ મિલન
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી એક વિખેરાયેલો પરિવાર ફરી એક થયો છે. પતિ-પત્ની વચ્ચેના મનભેદ દૂર થતાં સુખદ સમાધાન થયું હતું. મળતી માહિતી મુજબ, વાપીની એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પતિ છેલ્લા ચાર મહિનાથી ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ કોલ મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાના જણાવ્યા અનુસાર, તેમના લગ્નને આશરે 15 વર્ષ થયા છે અને તેમને ત્રણ સંતાનો છે, જેમાં સૌથી મોટી દીકરી 14 વર્ષની છે. મહિલા લાંબા સમયથી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જ્યારે પતિને વ્યસનની કુટેવ હોવાથી તેઓ નાની-મોટી બાબતોમાં વારંવાર ઝઘડા કરતા હતા. પતિના ઘર છોડી જવાને કારણે છેલ્લા ચાર મહિનાથી ઘરખર્ચ અને મકાન ભાડું ચૂકવાયું ન હતું. આથી મકાન માલિકે ઘર ખાલી કરવાની સૂચના આપી હતી, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની હતી. આ ગંભીર પરિસ્થિતિમાં મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. 181 ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું અને કાયદાકીય માહિતી આપી. ટીમે પતિને સમજાવ્યું કે પત્ની અને સંતાનોની સંભાળ રાખવી, તેમનું ભરણપોષણ કરવું અને પરિવારની જવાબદારી નિભાવવી એ તેમની ફરજ છે. કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે ભવિષ્યમાં પત્ની સાથે રહીને પરિવારની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની, ઘરખર્ચ અને મકાન ભાડું ચૂકવવાની ખાતરી આપી હતી. આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગના પરિણામે પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું અને વિખેરાયેલો પરિવાર ફરી એક થયો. મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →