કોંગ્રેસે વાપીમાં 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો:લોકોના સૂચનોથી તૈયાર, પ્રશ્નોના નિકાલનું વચન; AAPના કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે વાપી ખાતે 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે રજૂ કરાયો છે. કોંગ્રેસે જણાવ્યું કે, આ મેનિફેસ્ટો 'કોંગ્રેસ આપને દ્વાર' અભિયાન હેઠળ વાપીના દરેક ઘરની મુલાકાત લઈને તૈયાર કરાયો છે. આ માટે વોર્ડ દીઠ 'જનમંચ' પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી (AAP) વાપીના સક્રિય કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે કેતન પટેલને આવકાર્યા હતા. તેમણે વાપી મનપાના વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવી હતી. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે તેમને ઉમેદવારની દોડમાં જાહેર કર્યા હતા. મેનિફેસ્ટોમાં વાપીના વિકાસ માટે 10 મુખ્ય વચનો આપવામાં આવ્યા છે. તેમાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે "સ્ટ્રોમ વોટર" લાઈન નાખવાનો સમાવેશ થાય છે. ટ્રાફિક મુક્ત શહેર બનાવવા માટે ટેકનોલોજી આધારિત માસ્ટર પ્લાન અને શહેરીજનોને સવાર-સાંજ બે વખત પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પીવાનું પાણી આપવાનું વચન પણ અપાયું છે. શિક્ષણ ક્ષેત્રે, દરેક વોર્ડમાં કોર્પોરેશનની શાળાઓનું આધુનિકરણ કરીને તેમને 'મોડલ સ્કૂલ' તરીકે વિકસાવવાની વાત છે. ફેરિયાઓને લાઈસન્સ આપી તેમના અધિકારોનું રક્ષણ કરવાનું અને 'પહેલા રિહેબીલિટેશન પછી જ ડિમોલિશન'ની નીતિ અપનાવી કોઈને પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ઘર વિહોણા ન કરવાની ખાતરી અપાઈ છે. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સનું માળખું સરળ બનાવી કર ઉપરનું વ્યાજ ઘટાડવું, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને AQI ઘટાડવા કડક પગલાં લેવા જેવા મુદ્દાઓ પણ મેનિફેસ્ટોમાં સામેલ છે. પર્યાવરણ સુરક્ષા હેઠળ નદી-તળાવોમાં ઠલવાતા ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણીને અટકાવવાનું વચન છે. શ્રમિક કલ્યાણ માટે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, ફાયર સેફ્ટી અને કામદારોના બાળકોના શિક્ષણ માટે વિશેષ આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો વાપીના નવસર્જન માટેનો રોડમેપ સાબિત થશે.
Read Original Article →