વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:ATS અને SOGએ લિક્વિડમાંથી સૂકું ડ્રગ્સ બનાવવાનું કારસ્તાન ઝડપ્યું, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત, 2 શખસની ધરપકડ
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ₹1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભંગારના ગોડાઉનમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના એક વિસ્તારમાં આવેલા ભંગારના (સ્ક્રેપ) ગોડાઉનની આડમાં આ ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો. આરોપીઓ બહારથી કેમિકલ અને લિક્વિડ લાવીને આ ગોડાઉનમાં પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ આ લિક્વિડને સૂકવીને હાઈ-ક્વોલિટી મેફેડ્રોન પાવડર તૈયાર કરવામાં આવતો હતો. આસપાસના લોકોને કોઈ શંકા ન જાય તે માટે ભંગારના ગોડાઉનનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વાપી અને દમણના 2 આરોપીઓ ઝડપાયા
ATS અને SOGની ટીમે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી જ 2 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી વાપીનો સ્થાનિક રહેવાસી છે, જ્યારે બીજો આરોપી પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોસેસ થઈ રહેલું કેમિકલ, રો-મટીરિયલ, ડ્રગ્સ બનાવના સાધનો અને તૈયાર થયેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મોટા રેકેટના પર્દાફાશની શક્યતા: તપાસનો ધમધમાટ શરૂ
આ ગેરકાયદે ફેક્ટરી ક્યારથી કાર્યરત હતી? ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરિયલ ક્યાંથી સપ્લાય થતું હતું? અને તૈયાર થયેલો ડ્રગ્સનો આ જથ્થો ગુજરાત કે અન્ય રાજ્યોમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો? તે તમામ દિશામાં વલસાડ પોલીસ અને ATS દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
Read Original Article →