લોહીથી લથપથ દીકરાની લાશ જોઈ જનેતાની ચીસો નીકળી:માતા શાકભાજી વેચતી; માનવ બરફ-પિત્ઝા ડિલિવરી કરતો; વિદેશના સપના જોતો યુવક 13મા માળેથી કૂદી ગયો

Gujarat6/7/2026, 6:35:00 PM
લોહીથી લથપથ દીકરાની લાશ જોઈ જનેતાની ચીસો નીકળી:માતા શાકભાજી વેચતી; માનવ બરફ-પિત્ઝા ડિલિવરી કરતો; વિદેશના સપના જોતો યુવક 13મા માળેથી કૂદી ગયો
વલસાડના તીથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સના દમણગંગાના 13મા માળથી યુવકે કૂદીને આપઘાત કર્યો હતો. ડોમિનોઝ પિત્ઝામાં ડિલિવરી બોયનું કામ કરતાં યુવકે રવિવારે (7 જૂને) બપોરે સવા એક વાગ્યાના અરસામાં મોતની છલાંગ લગાવી હતી. પોલીસે પરિવારને બોલાવતાં શાકભાજીની દુકાને ગયેલી માતા, મૃતક યુવકના કાકા અને કાકી દોડી આવ્યાં હતાં. પોલીસે એક લાશ પરથી કપડું હટાવવા તેની માતાને કહ્યું હતું. કપડું હટાવતાં જ પોતાના વહાલસોયાની લાશ જોઈને માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. માતા દુકાને ગઈ ત્યારબાદ દીકરો પણ પોતાના કામધંધા પર ગયો હતો. તે કાકા પાસે બરફનું કામ કરતો અને બપોર બાદ પિત્ઝા ડિલિવરી કરતો. તે વિદેશના સપના જોતો હતો. કાકાએ ભત્રીજાના આપઘાત દિવ્યભાસ્કરને જણાવ્યો ભત્રીજાનો સંઘર્ષ અને સપના. લોનના કારણે આપઘાતની કાકાને આશંકા માનવના કાકાએ જણાવ્યું હતું કે, તે ભણવામાં હોશિયાર હતો. ધોરણ 10 ભણ્યા બાદ આઈટીઆઈ કર્યું હતું. પરંતુ ઘર ચલાવવા માટે તેણે ભણવાનું છોડવું પડ્યું હતું. મારા ભાઈને બીમારી હતી એટલે તેમનું મોત થયું. આખા ઘરની જવાબદારી તેના પર હતી. સવારે બરફનું કામ કરતો હતો. પછી 11 વાગ્યે આરામ કરતો હતો. ત્યારબાદ 3 વાગ્યાથી ડોમિનોઝમાં કામ કરતો હતો. પરિવાર માટે રાત-દિવસ કામ કરતો હતો. પરિવાર માટે તે બહાર જવાનું પણ વિચારતો હતો. એ પાર્સલનું કામ કરતો એટલે મારા ઘર પાસેથી જ જતો-આવતો ત્યારે કાકા કરીને બૂમ પણ પાડતો હતો. મારા દોસ્તારો પણ તેની પાસે પાર્સલ મંગાવતા. એને જોઈને નથી લાગતું કે એ આમ કરે. એનો પૂછતો કે કંઈ પ્રોબ્લેમ હોય તો કહે. પરંતુ એ ટેન્શનમાં રહેતો. લોનની પ્રોબ્લેમ હતી. પોલીસ પર મને વિશ્વાસ છે. કામધંધા પર ગયેલો પુત્ર ઘરે આવી મોતને ભેટ્યો પોલીસ સૂત્રો અને મૃતકની માતા સંગીતાબેન પટેલ પાસેથી મળતી વિગતો અનુસાર, વલસાડના સુઘડ ફળિયા (શહીદ ચોક) ખાતે રહેતો 22 વર્ષીય માનવ રાજુભાઈ પટેલ ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. રવિવારે સવારે આશરે 6 વાગ્યે તેની માતા રોજિંદા ક્રમ મુજબ શાકભાજીની દુકાને ગઈ હતી. માનવ પણ નોકરી પર જવા નીકળ્યો હતો. બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ માતા જ્યારે ઘરે પરત ફરી ત્યારે પરિવારને આ દુઃખદ આઘાત લાગ્યો હતો. પરિચિતનો કાકીને ફોન ગયો બપોરે માનવની કાકી જાગૃતિબેન પટેલના મોબાઈલ પર તેમના પરિચિત જીગ્નેશનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, કોઈ પોલીસકર્મીનો ફોન છે, તમે વાત કરો. કાકીએ પોલીસ સાથે વાત કરતા પોલીસે તેમને તાત્કાલિક તીથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સ ખાતે પહોંચવા જણાવ્યું હતું. આથી માનવની માતા સંગીતાબેન, કાકી જાગૃતિબેન અને કાકા રાહુલભાઈ પટેલ તાબડતોબ દમણગંગા બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા. દીકરાની લોહીલૂહાણ લાશ મળતાં માતાનું આક્રંદ પરિવાર જ્યારે દમણગંગા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પહોંચ્યો ત્યારે ત્યાં સ્થાનિક યુવકો અને પોલીસ હાજર હતી. જમીન પર સફેદ કપડું ઓઢાડેલી એક લાશ પડી હતી. માતાએ જ્યારે કપડું હટાવીને જોયું તો તે તેમનો એકના એક પુત્ર માનવની લાશ હતી. ઊંચાઈ પરથી પડવાને કારણે માનવના મોઢાના ભાગે અને આખા શરીરે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પુત્રની લાશ જોઈને માતાએ ભારે આક્રંદ કર્યું હતું. 13મા માળ પરથી જાતે જ કૂદકો માર્યો: પોલીસ વલસાડ સિટી પોલીસના અધિકારીઓએ પરિવારને પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, માનવ પટેલે આ બિલ્ડિંગના 13મા માળે જઈને ત્યાંથી નીચે પડતું મૂક્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ તેના તબીબોએ યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને વલસાડ નગરપાલિકા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો. પરિવારનો એકમાત્ર આર્થિક સહારો છીનવાયો મૃતક માનવના પિતા રાજુભાઈ પટેલનું આશરે 1.5 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. વિધવા માતા સંગીતાબેન શાકભાજીનો વેપાર કરીને પોતાના પુત્ર માનવ અને 15 વર્ષીય પુત્રી યશ્વીનું ગુજરાન ચલાવતી હતી. ઘરનો મોટો પુત્ર કમાતો થતાં માતાને આર્થિક સહારો મળ્યો હતો, પરંતુ આ ઘટનાથી પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે અને શહીદ ચોક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આત્મહત્યાનું કારણ અકબંધ માનવે કયા કારણોસર 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, તે કોઈ માનસિક તણાવમાં હતો કે પછી અન્ય કોઈ કારણ હતું, તે હજી સુધી જાણી શકાયું નથી. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એચ. એસ. પટોળિયા અને એ.એસ.આઈ. મનોજકુમાર નટવરલાલ સહિતની ટીમે આ મામલે અકસ્માત મોત ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 174 મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. CCTVમાં માનવની છેલ્લી 10 મિનિટ કેદ માનવ 1.14 વાગ્યે દમણગંગા વિંગના 13માં માળે પહોંચ્યો હતો. આવી તેણે પહેલા જે બાજુથી કૂદવાનો હતો ત્યાં નજર ફેરવી, ત્યારબાદ સામે ગયો અને લોબીમાં જોવા લાગ્યો. પછી મોબાઈલમાં જોવા લાગ્યો, પાછો ફરીને એક બાજુ ગયો. દેખાતો બંધ થયો, ફરી પાછો મોબાઈલમાં કંઈ ટાઈપ કરતો દેખાયો. પાછો દીવાલ બાજુ જતો રહ્યો.ચોરીછૂપી જોતો દેખાયો. વારાફરતી બે કબૂતરો પેસેજના દીવાલ પર આવીને બેસતા તેણે નજર ફેરવી. છએક મિનિટ બાદ કોઈ આવ્યું હોય તેમ માનીને ડાફેરું મારે છે. પોણા છ મિનિટ પછી થોડું ચાલે છે અને સીસીટીવી તરફ જુએ છે. મોબાઈલ નીચે મૂકે છે. ડાફેરા મારી ટી-શર્ટથી મોઢે પરસેવો લૂછે છે. બે ડગલા આગળ આવીને સીધો પડતું મૂકવાનો હતો ત્યાં જોવા લાગે છે. ફરી સ્વસ્થ થાય છે અને ઉપરથી કોઈ જોતું તો નથીને એમ ચેક કરે છે. બે હાથની પેસેજની દીવાલ પકડી રાખીને પાછું બિલ્ડિંગની નીચે જુએ છે. એક ડગલુ પાછો ફરી અહીંતહીં નજર ફેરવે છે. દસ મિનિટ બાદ અચાનક તે જમણો પગલ દીવાલની ઉપર ચડાવે છે, ઉપર બેસીને બીજો પગ પેટના ટેકે દીવાલ પાછળ લે છે અને પછી મોતની છલાંગ લગાવે છે. તેના પટકાતા જ એક મોટો અવાજ થાય છે. ગણતરીની સેકન્ડમાં એક દરવાજો ખુલે છે, જેમાંથી એક પુરુષ યુવક પટકાયો ત્યાં દોડે છે અને મહિલા પાછી અંદર જાય છે.(સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →