વલસાડમાં યુથ કોંગ્રેસનો 'મેલોડી' વહેંચી અનોખો વિરોધ:પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ સામે ચોકલેટનું વિતરણ કર્યુ, એક ચાલકે ન લીધી, કારચાલકે વીડિયો રેકોર્ડ થતો જોઈ ફેંકી દીધી
વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં સ્થાનિક પેટ્રોલ પંપ પર વાહનચાલકોને 'મેલોડી' ચોકલેટ આપીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકારની નીતિઓ સામે કરાયેલા આ પ્રદર્શન દરમિયાન એક રસપ્રદ ઘટના પણ સામે આવી હતી, જેમાં એક વાહનચાલકે ચોકલેટ લેવાનો ઇનકાર કરી સરકારનું સમર્થન કર્યું હતું. આ ઘટનાને પગલે પંપ પર થોડીવાર માટે ગરમાગરમી સર્જાઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે. વીડિયો રેકોર્ડ કરાતો હોવાનું લાગતા એક કારચાલકે લીધેલી મેલોડી ચોકલેટ ફેંકી દીધી હતી. પીએમની 'મેલોડી ડિપ્લોમસી' સામે વિરોધ: યુથ કોંગ્રેસ પ્રમુખ
વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાદ બોગાએ જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે જઈને ત્યાંના વડાપ્રધાનને 'મેલોડી' ચોકલેટ ખવડાવી રહ્યા છે. આ 'મેલોડી ડિપ્લોમસી' સામે વિરોધ દર્શાવવા વલસાડની જનતાને મેલોડી ચોકલેટ વહેંચવામાં આવી છે. ઇંધણના ભાવ તાત્કાલિક ઘટાડીને કોંગ્રેસ શાસન સમયના સ્તરે લાવવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. મોંઘવારીથી મધ્યમવર્ગ પીડિત: કુંજાલી પટેલ
આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના મહિલા અગ્રણી કુંજાલી પટેલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવાની સલાહ આપે છે, પરંતુ પોતે વિદેશ પ્રવાસો કરે છે. ઇંધણની અછત અને ભાવવધારાથી મધ્યમવર્ગીય પરિવારો પીડાઈ રહ્યા છે. આર્થિક બોજનો ચિતાર આપતી સરખામણી રજૂ કરી તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓના હિતોનું રક્ષણ કરવામાં રસ ધરાવે છે અને સામાન્ય જનતાની ચિંતા કરતી નથી. વાહનચાલકે ચોકલેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો
યુથ કોંગ્રેસના કાર્યકરો જ્યારે પેટ્રોલ પંપ પર મોંઘવારીના પ્રતીક રૂપે ચોકલેટ વહેંચી રહ્યા હતા, ત્યારે કતારમાં ઉભેલા એક બાઈક સવારે કાર્યકરો સામે જ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ચોકલેટ લેવાનો સાફ ઇનકાર કર્યો હતો અને પેટ્રોલના ભાવવધારાને વૈશ્વિક પરિબળોના સંદર્ભે યોગ્ય ગણાવી સરકારની નીતિઓનું સમર્થન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન અન્ય કેટલાક વાહનચાલકોએ આ બાબતને હળવાશથી લીધી હતી, જ્યારે કેટલાકે કોંગ્રેસના વિરોધને ટેકો જાહેર કર્યો હતો.
Read Original Article →