NEET પેપર લીક મુદ્દે વાપીમાં યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે વૈશાલી ચાર રસ્તા પર પ્રદર્શન કર્યું
સમગ્ર દેશમાં NEET (UG) પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ગંભીર મુદ્દાને કારણે રાજકીય ગરમાવો પણ વધ્યો છે. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાપીના વ્યસ્ત વૈશાલી ચાર રસ્તા ખાતે ભાજપ સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'NTA એક્ઝામ સિસ્ટમ લીક સરકાર'ના નારા
યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં પાણીના કેન રાખ્યા હતા, જેના પર “NTA Exam system Leak Sarkaar” લખેલું હતું. આ કેનમાંથી પાણી ટપકતું દર્શાવીને કોંગ્રેસે સરકારની નબળી પરીક્ષા પદ્ધતિ પર કટાક્ષ કર્યો હતો. કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને પરિસર ગજવી મૂક્યું હતું. "પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં" : યુથ કોંગ્રેસ
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ મનપ્રીતસિંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શાસનમાં દેશમાં પેપર લીકનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાનું પેપર વારંવાર લીક થવા છતાં સરકાર ગંભીરતા દાખવતી નથી. NTAના વડાનું એવું નિવેદન કે પેપર લીક નથી થયું પણ સવાલો લીક થયા છે, તે હાસ્યાસ્પદ છે. જો આ ભ્રષ્ટ સિસ્ટમ તાકીદે બંધ કરીને ફુલ-પ્રૂફ સિસ્ટમ લાવવામાં નહીં આવે, તો કોંગ્રેસ આગામી દિવસોમાં હાઈવે જામ અને રેલ રોકો આંદોલન જેવા ઉગ્ર પગલાં ભરશે. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણી કુંજાલી પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરે છે અને વાલીઓ આર્થિક સંકડામણ વેઠીને પણ ફીના પૈસા ભરે છે. પરંતુ પરીક્ષા પૂર્ણ થતાં જ પેપર લીકના સમાચાર સામે આવે છે. આ ભ્રષ્ટાચારને કારણે હજારો હોનહાર વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાઈ ગયું છે. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે અંત સુધી લડત ચાલુ રાખશે.
Read Original Article →