વલસાડમાં તળાવમાં ડૂબી જવાથી 14 વર્ષના કિશોરનું મોત:શોધખોળ માટે અંડરવોટર કેમેરાની મદદ લેવાઈ; ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો
વલસાડ તાલુકાના વેજલપોર ગામમાં એક 14 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. ગામના નવા તળાવમાં નાહવા પડેલો કિશોર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ, મૃતક કિશોરનું નામ પ્રીત ધીરેનભાઈ પ્રજાપતિ છે, જે વલસાડના લીલાપોર કુંભારવાડ વિસ્તારનો રહેવાસી હતો. પ્રીત વેજલપોર ગામના નવા તળાવમાં નાહવા ગયો હતો. નાહતી વખતે તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ આસપાસના લોકોએ બૂમાબૂમ કરી હતી, જેના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને કરાતા તેઓ લાઈફ જેકેટ અને બોટ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તળાવનું પાણી અત્યંત ડહોળું હોવાથી પાણીની અંદર દ્રશ્યતા ઓછી હતી, જેના કારણે શોધખોળમાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. આ પડકારને પહોંચી વળવા માટે ફાયર વિભાગે પહેલીવાર ‘અંડરવોટર કેમેરા’ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. પાણીની અંદર કેમેરો ઉતારીને કિશોરના મૃતદેહની ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ પ્રીત પ્રજાપતિનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Read Original Article →