વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ:ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિજેતા જાહેર, સમર્થકોએ ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી

Gujarat4/12/2026, 3:48:35 AM
વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ:ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિજેતા જાહેર, સમર્થકોએ ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી
વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પહેલા જ પાંચ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. કુલ 32 બેઠકો પૈકી પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈએ દાવેદારી નોંધાવી ન હતી, જેના કારણે આ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉમેદવારી પત્રો સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હતા. જોકે, પાંચ બેઠકો પર કોઈ હરીફ ન હોવાથી ભાજપને આ બેઠકો સરળતાથી મળી ગઈ. બિનહરીફ વિજેતા જાહેર થયેલા પાંચેય ઉમેદવારો મહિલાઓ છે. જેમાં ભાગડાવાડા બેઠક પર શિવાંગી પટેલ, કોસંબા-1 પર મામતાબેન હળપતિ, કોસંબા-2 પર સ્વીટીબેન પટેલ, કકવાડી દાંતી પર જયશ્રીબેન ટંડેલ અને ભદેલી જગાલાલા બેઠક પર હસુમતીબેન ટંડેલનો સમાવેશ થાય છે. ભાજપને ચૂંટણીના પ્રારંભ પહેલા જ પાંચ બેઠકો મળતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાગડાવાડા ખાતે વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોએ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના વિસ્તારના લોકોના પડતર પ્રશ્નો અને વિકાસના કામોને પ્રાધાન્ય આપશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાનમાં છે. પાંચ બેઠકો બિનહરીફ થતા હવે બાકીની બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.
Read Original Article →