વલસાડ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પટકાયા મુસાફર:ચા લેવા ઉતર્યા બાદ ચઢતી વખતે અકસ્માત, સુરત રિફર કરાયા

Gujarat4/11/2026, 2:58:37 AM
વલસાડ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પટકાયા મુસાફર:ચા લેવા ઉતર્યા બાદ ચઢતી વખતે અકસ્માત, સુરત રિફર કરાયા
વલસાડ રેલવે સ્ટેશન પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી બિકાનેર જઈ રહેલા 52 વર્ષીય મુસાફર રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન પોતાના પરિવાર સાથે મુંબઈથી બિકાનેર દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. રાજેન્દ્રભાઈ પ્લેટફોર્મ પર ચા લેવા માટે નીચે ઉતર્યા હતા. રાજેન્દ્રભાઈ ચા લઈને પાછા ફરે તે પહેલા જ ટ્રેન ઉપડી ગઈ હતી. પોતાની ટ્રેન છૂટી જવાની ઉતાવળમાં તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા અને ટ્રેન નીચે પટકાયા. આ ઘટનાની જાણ થતા જ વલસાડ સ્ટેશન માસ્તર, GRP (રેલવે પોલીસ) અને RPFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની હાલત ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂરિયાત હોવાથી પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે. રેલવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →