વલસાડ ST કર્મચારીઓએ મુસાફરોને ઠંડી છાસ પીવડાવી:કાળઝાળ ગરમીમાં રાહત આપી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે વલસાડ એસ.ટી. ડેપોના કર્મચારીઓએ અસહ્ય ઉકળાટ વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓને રાહત આપવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. ડેપો પર ફરજ બજાવતા કંડક્ટર મુકેશભાઈ પટેલ અને અન્ય કર્મચારીઓએ પોતાના ખર્ચે મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કર્યું હતું. બપોરના સમયે જ્યારે ગરમીનો પારો સૌથી ઊંચો હતો, ત્યારે આ કર્મચારીઓએ ડેપો પર હાજર યાત્રીઓ તેમજ બસમાં બેઠેલા મુસાફરોને ઠંડી અને મસાલેદાર છાસ પીવડાવી હતી. આ સેવાકીય કાર્યથી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુસાફરોને ઘણી રાહત મળી હતી. મુસાફરોએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી હતી. એક એસ.ટી. યાત્રીએ જણાવ્યું હતું કે, "આવી ગરમીમાં બસની રાહ જોઈને ઊભા રહેવું અઘરું છે, ત્યારે એસ.ટી. સ્ટાફે સામેથી આવીને ઠંડી છાસ પીવડાવી એ ખરેખર પ્રશંસનીય છે." સામાન્ય રીતે એસ.ટી. કર્મચારીઓ તેમની કડક ફરજ માટે જાણીતા હોય છે, પરંતુ વલસાડ ડેપોના આ કર્મચારીઓએ ફરજની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને લોકોના દિલ જીતી લીધા છે. તેમની આ માનવતાભરી કામગીરી બદલ તમામ મુસાફરોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →