NDPS ગુનાનો 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:મુંબઈના શેવડીમાંથી વોન્ટેડ આસિફ પઠાણને પોલીસે ઝડપી લીધો
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. NDPS એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા એક આરોપીને SOG ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપી ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને પીએસઆઈ વાય.પી. હડીયાની ટીમ વોન્ટેડ આરોપીઓનો પતો મેળવી રહી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. સયદ બાબનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે મુંબઈના શેવડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વર્ષ 2021ના ડુંગરી પોલીસ સ્ટેશનના NDPS એક્ટની કલમ 8(સી), 22(સી), 29 મુજબના ગુનામાં સંડોવાયેલા આરોપી આસીફ ઇકબાલ ઉર્ફે ઉસ્માન અબ્દુલ ગફાર પઠાણ (ઉં.વ. 49) ને ત્યાંથી દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ આસીફ ઇકબાલ ઉર્ફે ઉસ્માન અબ્દુલ ગફાર પઠાણ છે, જેની ઉંમર 49 વર્ષ છે અને તેનો ધંધો ડ્રાઇવિંગ છે. તે ઝકરિયા બંદર રોડ, આઝાદનગર, મસ્જિદ ગલી, શેવડી, મુંબઈનો રહેવાસી છે.
Read Original Article →