વલસાડમાં શોપિંગ સેન્ટરની બાલ્કની તૂટી:ચીફ ઓફિસરે વેપારીઓને સુરક્ષા જાળવવા અપીલ કરી

Gujarat4/8/2026, 12:55:31 PM
વલસાડમાં શોપિંગ સેન્ટરની બાલ્કની તૂટી:ચીફ ઓફિસરે વેપારીઓને સુરક્ષા જાળવવા અપીલ કરી
વલસાડ નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરની બાલ્કનીનો એક ભાગ ગઈકાલે રાત્રે ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, નીચે પાર્ક કરેલી એક મોપેડ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું કે ટેકનિકલ ટીમને તપાસના આદેશ અપાયા છે અને હાલ આ કોમ્પ્લેક્સનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના અપાઈ છે. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પાલિકાની માલિકીના અને ૨૦ વર્ષથી વધુ જૂના તમામ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેમણે જર્જરિત મિલકતોમાં રહેતા વેપારીઓ અને રહેવાસીઓને પોતાની અને જાહેર જનતાની સુરક્ષા માટે આવી મિલકતોનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. ખાનગી મિલકત ધારકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની મિલકત જર્જરિત હોય તો પાલિકાને જાણ કરે અને જાન-માલનું નુકસાન અટકાવવામાં સહયોગ આપે. ચીફ ઓફિસર વાઘેલાએ ઉમેર્યું કે, આગામી સામાન્ય સભામાં જર્જરિત કોમ્પ્લેક્સના રિપોર્ટના આધારે તેના નવીનીકરણ કે મજબૂતીકરણ અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઘટના બાદ વલસાડના અન્ય જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે, જેના પગલે પાલિકા હવે આ મામલે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.
Read Original Article →