વલસાડમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:પ્રથમ દિવસે શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી

Gujarat6/8/2026, 9:16:01 AM
વલસાડમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:પ્રથમ દિવસે શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27નો પ્રારંભ થયો છે. લાંબા ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખુલતાની સાથે જ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાએ પહોંચેલા બાળકોના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ શહેરની મધ્યમાં આવેલી કુમાર શાળા નંબર 1માં પણ નવા સત્રનો ઉત્સાહભેર પ્રારંભ થયો. શાળાના શિક્ષિકા પ્રીતિબેન રાકેશકુમાર ટેલરે જણાવ્યું કે, આ શાળામાં આસપાસના ધોબી તળાવ અને મોગરાવાડી જેવા સ્લમ વિસ્તારોના બાળકો અભ્યાસ માટે આવે છે. અંદાજે 150 થી 175 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત શિક્ષણ મેળવી રહ્યા છે. લાંબા વેકેશન બાદ બાળકોને સીધા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાવવું મુશ્કેલ હોય છે. આથી, શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ફરીથી શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે બાળકો પ્રથમ દિવસે શાળાએ ગેરહાજર રહ્યા હોય, તેમના વાલીઓનો સૌપ્રથમ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે. ફોન બાદ પણ જો બાળક શાળાએ ન આવે, તો શિક્ષકો રૂબરૂ તેમના ઘરે જઈને વાલીઓને સમજાવે છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વેકેશનમાંથી આવેલા બાળકોને શિક્ષણ તરફ વાળવા માટે શરૂઆતમાં રમતો સાથે જ્ઞાન (પ્રવૃત્તિમય શિક્ષણ) આપવાનું આયોજન કરાયું છે. આનાથી બાળકોને શાળાનું વાતાવરણ ગમે અને તેઓ આવવા માટે પ્રેરિત થાય. શાળાના પ્રથમ દિવસે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે હળવાશભરી પળો વિતાવવામાં આવે છે. વેકેશન દરમિયાન બાળકો ક્યાં ગયા હતા, શું નવું જોયું અને કઈ પ્રવૃત્તિઓ કરી તે અંગે રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. આ પ્રકારના સ્નેહપૂર્ણ વાતાવરણ બાદ જ ધીમે-ધીમે બાળકોને નિયમિત અભ્યાસક્રમ તરફ આગળ વધારવામાં આવે છે.
Read Original Article →