વલસાડ પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત થઈ લવારા:બે વકીલ સહિત ત્રણ સામે ગુનો, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી

Gujarat4/5/2026, 7:34:38 AM
વલસાડ પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત થઈ લવારા:બે વકીલ સહિત ત્રણ સામે ગુનો, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી
વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં તોફાન કરવા બદલ બે વકીલ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 4 એપ્રિલની મધ્યરાત્રિએ બની હતી, જ્યારે આ શખ્સો પોલીસ મથકમાં લથડિયાં ખાતા અને બકવાસ કરતા ઝડપાયા હતા. ઘટનાની વિગતો અનુસાર, 4 એપ્રિલ, 2026 ના રોજ રાત્રે 10:30 કલાકે ગાંધીનગર 112 પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એક મેસેજ મળ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો બકવાસ કરી રહ્યા છે. ફરજ પરના એ.એસ.આઈ. રાજેશભાઈ કાશીનાથભાઈ અને સ્ટાફે તેમની પૂછપરછ કરતા તેઓ તોતડાતી જીભે વાત કરતા અને નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે પંચોની હાજરીમાં આ ત્રણેય ઈસમોને ચલાવી જોતા તેઓ શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા અને તેમની આંખો લાલચોળ હતી. બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરતા તેઓ નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થઈ હતી. તેમની પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જીલ રાજેશભાઈ મેરાઈ (24, વકીલાત, રહે. ધરમપુર), વૈભવ સુરેશભાઈ પટેલ (29, વકીલાત, રહે. અબ્રામા, વલસાડ) અને કરણકુમાર અશોકકુમાર દેસાઈ (28, ખેતી, રહે. સોનવાડા, વલસાડ) નો સમાવેશ થાય છે. વલસાડ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી મુજબ ગુનો નોંધી, તેમને મેડિકલ તપાસ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે.
Read Original Article →