વલસાડના પારનેરામાં પાણીની તંગી:મહિલાઓએ માટલા ફોડી ગ્રામપંચાયત સામે રોષ ઠાલવ્યો

Gujarat5/22/2026, 5:22:20 AM
વલસાડના પારનેરામાં પાણીની તંગી:મહિલાઓએ માટલા ફોડી ગ્રામપંચાયત સામે રોષ ઠાલવ્યો
વલસાડના પારનેરા ગ્રામપંચાયત વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગેલક્ષી વિસ્તારની મહિલાઓ અને રહીશોએ માટલા ફોડીને ગ્રામપંચાયત સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પારનેરા ગ્રામપંચાયતના ગેલક્ષી સહિત અન્ય વિસ્તારોમાં વર્ષોથી પાણીની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. આશરે 100 થી 150 જેટલા ઘરોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીની સમસ્યાના નિરાકરણ માટે ગેલક્ષી વિસ્તારના રહીશોએ એકઠા થઈને 'પારનેરા ગ્રામપંચાયત હાય હાય' અને 'પાણી આપો પાણી આપો' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમણે ગ્રામપંચાયતનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પંચાયતની ઉદાસીનતાને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી સમયે સરપંચ દ્વારા ગામના લોકોને પાણીની સમસ્યા હલ કરવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપ્યો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો તેઓ પારનેરા ગ્રામપંચાયતનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન કરશે. પારનેરા ગામના સરપંચ ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, NH 48ની ટીમે સર્વિસ રોડ બનાવવા રોડની કરવામાં આવેલી કામગીરીને લઈને ત્યાંથી પસાર થતી પાણીની લાઇન તૂટી ગઈ હતી. ગયા અઠવાડિયામાં સ્થળ મુલાકાત લઈ પાણીની લાઈનનું જોડાડ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પાણીની લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
Read Original Article →