વલસાડ જિલ્લા પંચાયતના નવા સીમાંકન બાદ રાજકીય સીનેરીયો બદલાયો:50 ટકા મહિલા અનામત બેઠક મળતાં મહિલાઓને નવું નેતૃત્વ મળશે, યુવાઓને મળશે નેતૃત્વ
વલસાડ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન અને રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. કુલ 36 બેઠકો માટે જાહેર થયેલા આ સીમાંકનથી જિલ્લાના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. વાપી મહાનગરપાલિકા જાહેર થયા બાદ ભૌગોલિક સમીકરણો બદલાયા છે, જેની અસર આ વખતની બેઠકો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. નવા રોટેશન મુજબ, 50 ટકા મહિલા અનામત અને જાતિગત સમીકરણોને કારણે ઘણા દિગ્ગજ નેતાઓની બેઠકો પ્રભાવિત થઈ શકે છે. જે બેઠકો પર વર્ષોથી પીઢ નેતાઓનું પ્રભુત્વ હતું, ત્યાં મહિલા અનામત આવતા તેમને પોતાના પરિવારની મહિલા સભ્યો અથવા નવા ચહેરાઓને તક આપવી પડી શકે છે. નવા સીમાંકનના પગલે રાજકીય કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુકોનો ધસારો નોંધાઈ રહ્યો છે. ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે જાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નોની જાણકારી ધરાવતા યુવાનોને તક આપી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પરિવર્તનના નામે નવા અને શિક્ષિત ચહેરાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડી રહ્યા છે. વલસાડ જિલ્લો પરંપરાગત રીતે ભાજપનો ગઢ મનાય છે, પરંતુ બદલાયેલા સીમાંકનથી રાજકીય સમીકરણો વધુ જટિલ બન્યા છે. સૂત્રોના મતે, તમામ પક્ષોના હાઈકમાન્ડ ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક લોકપ્રિયતા, જાતિગત ગણિત અને યુવા નેતૃત્વ જેવા પરિબળોને પ્રાધાન્ય આપશે. જાહેર થયેલા સીમાંકન મુજબ, વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 24 બેઠકો અનુસૂચિત આદિજાતિ (ST) માટે અનામત છે, જેમાં 12 મહિલા બેઠકોનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક (મહિલા), સામાજિક-શૈક્ષણિક પછાત (SEBC) માટે 4 બેઠકો (2 મહિલા સહિત) અને સામાન્ય વર્ગ માટે 7 બેઠકો (3 મહિલા સહિત) અનામત રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 36 પૈકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ અંગે પ્રાથમિક અટકળો તેજ બની છે. મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ આગામી સમયમાં પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે.
Read Original Article →