વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી:24 મેના રોજ ઉમેદવારી પત્રો ભરાશે, 25ના રોજ ચૂંટણી, કલેક્ટર સંભાળશે અધ્યક્ષસ્થાન
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25 મે, 2026ના રોજ યોજાશે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી આગામી અઢી વર્ષની મુદત માટે બપોરે 12 વાગ્યે યોજાશે અને વલસાડ જિલ્લા કલેક્ટર આ ખાસ સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન સંભાળશે. વિકાસ કમિશનર કે.એલ. બચાણીના આદેશ મુજબ, આ ચૂંટણી બેઠક વલસાડના નનકવાડા સ્થિત નવી સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી GMERS મેડિકલ કોલેજના જૂની નર્સિંગ કોલેજ મકાનના ભોંયતળિયાના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં માત્ર મતદાનનો અધિકાર ધરાવતા સભ્યો જ હાજર રહી શકશે; અન્ય કોઈ પદાધિકારીઓને પ્રવેશ મળશે નહીં. સમગ્ર પ્રક્રિયાનું કડક આયોજન અને રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. આ ચૂંટણીમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખનો હોદ્દો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની (SEBC) મહિલા માટે અનામત જાહેર કરાયો છે. આ જાહેરાતને કારણે આ કેટેગરીમાં આવતા મહિલા સભ્યોમાં પ્રમુખ બનવા માટેની ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પ્રક્રિયાના સમયપત્રક મુજબ, ઉમેદવારી પત્રો 24 મે, 2026 (રવિવાર) ના રોજ સવારે 11:00 થી બપોરે 14:00 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતના સેક્રેટરી અથવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ને સુપરત કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે બપોરે 14:00 કલાકથી કરવામાં આવશે અને હરીફ ઉમેદવારોની યાદી વિકાસ કમિશનરની કચેરીને મોકલાશે. ગુજરાત લોકલ ઓથોરિટી કાયદા (સુધારા) અધિનિયમ-2015 (એક્ટ નં. 15) ની જોગવાઈઓ અનુસાર, હવે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની મુદત અઢી વર્ષની રહેશે. મુદત પૂર્ણ થવાના એક મહિના અગાઉ ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ પંચાયત સભ્યોને પક્ષાંતર વિરોધી ધારા (એન્ટી ડિફેક્શન લો) ના નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
Read Original Article →