વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ઉમરગામ નગરપાલિકામાં માત્ર 3 ફોર્મ:જિલ્લા-તાલુકા પંચાયતની 186 બેઠકો પર 456 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના પાંચમા દિવસના અંતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 89 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે, ઉમરગામ નગરપાલિકામાં અત્યાર સુધી માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જે આશ્ચર્યજનક સ્થિતિ દર્શાવે છે. ભાજપે શુક્રવારે તેના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ જાહેરાત બાદ ઉમેદવારી પત્રો ભરવામાં વધુ તેજી જોવા મળી હતી. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં 89 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો માટે અત્યાર સુધીમાં 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ધરમપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવા માટે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. તાલુકા પંચાયત મુજબ ફોર્મની વિગત નીચે મુજબ છે: ધરમપુરમાં 24 બેઠકો પર 86 ઉમેદવારો, કપરાડામાં 22 બેઠકો પર 71 ઉમેદવારો, નાનાપોંઢામાં 20 બેઠકો પર 66 ઉમેદવારો, પારડીમાં 22 બેઠકો પર 65 ઉમેદવારો, ઉમરગામમાં 30 બેઠકો પર 63 ઉમેદવારો અને વલસાડમાં 32 બેઠકો પર સૌથી ઓછા 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમરગામ નગરપાલિકામાં ચિત્ર તદ્દન અલગ છે. અહીં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં પાંચમા દિવસ સુધી માત્ર વોર્ડ નં. 7 માંથી જ 3 ફોર્મ ભરાયા છે. બાકીના એક પણ વોર્ડમાં હજુ સુધી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અહીંની કેટલીક બેઠકો બિનહરીફ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપના 28 ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે તેવી અપેક્ષા છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે. આ સાથે જ સાંજ સુધીમાં ચૂંટણી જંગનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.
Read Original Article →