વલસાડના પલસાણામાં 4-5 પશુઓ પર એસિડ એટેક:ચામડી ઉખડી, લોહીલુહાણ હાલતમાં મળ્યાં; પોલીસ તપાસ શરૂ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામે 4 થી 5 રખડતા પશુઓ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલા આ હુમલામાં પશુઓની પીઠ અને પેટના ભાગની ચામડી ઉખડી ગઈ હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. આ ક્રૂર ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ તમામ પશુઓ માલિક વિનાની રખડતી ગાયો હતી, જે ગંભીર રીતે દાઝી ગઈ છે. ઘટનાની જાણ થતા એનિમલ ફાઉન્ડેશનના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘાયલ પશુઓને સારવાર આપવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. પશુઓની દયનીય હાલત જોઈને કાર્યકરો પણ દુઃખી થયા હતા. એનિમલ ફાઉન્ડેશન દ્વારા આ મામલે પોલીસને લેખિત અરજી આપવામાં આવી છે. પોલીસે અરજીના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને શોધવા માટે તપાસ તેજ કરી છે. પશુપ્રેમીઓ અને સ્થાનિક લોકોએ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૂંગા પશુઓ પર થયેલા આ અત્યાચારને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Read Original Article →