વલસાડમાં 7 વર્ષની બાળકી સાથે છેડતી:પાડોશીએ ફ્લેટમાં બોલાવી બિભત્સ વીડિયો બતાવ્યા, દુષ્કર્મનો પ્રયાસ કર્યો; પોક્સો હેઠળ ગુનો
વલસાડ શહેરમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાડોશમાં રહેતા એક શખ્સે બાળકીને પોતાના ફ્લેટમાં બોલાવી મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યા હતા અને તેની છેડતી કરી હતી. આ મામલે વલસાડ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને કોઈ બહાને પોતાના ફ્લેટમાં બોલાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે આશરે 4:30 વાગ્યાના અરસામાં બની હતી. ફરિયાદી મહિલાની સાત વર્ષની દીકરી ફ્લેટની નીચે પાર્કિંગમાં રમી રહી હતી. તે સમયે તે જ બિલ્ડિંગમાં રહેતા અજીતભાઈ દનુભાઈ ગાયકવાડ નામના શખ્સે બાળકીને કોઈ બહાને પોતાના ફ્લેટમાં બોલાવી લીધી હતી. મોબાઈલમાં ખરાબ વીડિયો બતાવ્યાં
ફ્લેટમાં બોલાવ્યા બાદ અજીતે બાળકીને પોતાના મોબાઈલમાં ખરાબ વીડિયો બતાવવાનું શરૂ કર્યું હતું. બાળકી ડરી જતાં ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ આરોપીએ તેનો હાથ પકડી લીધો હતો. તેણે પોતાના પેન્ટની ચેઈન ખોલી નાખી બાળકી સાથે અડપલાં કર્યા હતા. આ દરમિયાન બાળકીની મોટી બહેને આ અંગે માતાને જાણ કરી હતી. બાળકીની માતા આવી જતાં દુષ્કર્મનો શિકાર બનતા બચી ગઈ
માતા તાત્કાલિક ઉપર દોડી ગઈ હતી અને ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો નહોતો. આખરે બાળકી દરવાજો ખોલીને બહાર ભાગી આવી હતી અને રડતાં રડતાં માતાને પોતાની આપવીતી જણાવી હતી. બનાવ અંગે આસપાસના પાડોશીઓ અને સોસાયટીના રહીશો પણ એકત્ર થઈ ગયા હતા અને આરોપીને ત્યાં જ રોકી રાખ્યો હતો. પીડિતાની માતાએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અજીત ગાયકવાડને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 74, 75(1)(i), 75(1)(iii), 75(2), 295 તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 11(iii) અને 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. રાજેન્દ્રસિંહ કરી રહ્યા છે. સગીરા અને આરોપીનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →