વલસાડની કમ્પ્યુટર સંસ્થામાં લાખોની ઉચાપત કરનાર ઝડપાયો:માર્કેટિંગ હેડે ₹9.80 લાખની ફી ઓળવી લીધી, બીમારીનો લાભ ઉઠાવી ફરાર થયો હતો

Gujarat5/16/2026, 8:58:01 AM
વલસાડની કમ્પ્યુટર સંસ્થામાં લાખોની ઉચાપત કરનાર ઝડપાયો:માર્કેટિંગ હેડે ₹9.80 લાખની ફી ઓળવી લીધી, બીમારીનો લાભ ઉઠાવી ફરાર થયો હતો
વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા હાલર રોડ પર આવેલી એક નામાંકિત કમ્પ્યુટર સંસ્થામાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. સંસ્થાના માર્કેટિંગ હેડે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી અંદાજે ₹9.80 લાખ જેટલી માતબર રકમ સંસ્થામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. સંચાલકની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. સંચાલકની માંદગીનો ગેરલાભ ઉઠાવ્યો મળતી વિગતો મુજબ, હાલર રોડ પર આવેલા કળશ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રાકેશ કરણસિંહ ચૌહાણ ‘સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ (SVIT) નામની કમ્પ્યુટર સંસ્થા ચલાવે છે. આ સંસ્થામાં CCC, Tally Prime, C++ અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ જેવા વિવિધ કોર્સ શીખવવામાં આવે છે. નવેમ્બર 2024માં સંસ્થામાં વિજેન્દ્ર તુલસીરામ ગોન્નાડે નામના વ્યક્તિને માર્કેટિંગ હેડ તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં વિજેન્દ્રએ સખત મહેનત કરીને સંચાલકનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન સંસ્થાના સંચાલક રાકેશ ચૌહાણની તબિયત લથડતા તેઓ લાંબા સમય સુધી સંસ્થા પર નિયમિત આવી શકતા નહોતા. વિજેન્દ્રએ સંચાલકની આ બીમારી અને ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. 13 મહિના સુધી ફીના નાણાં બારોબાર સેરવ્યા ઓક્ટોબર 2025 પછી વિજેન્દ્રની દાનત બગડી હતી. તેણે નવા એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી સત્તાવાર રસીદ બુક આપીને ફીની રોકડ રકમ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ આ રકમ સંસ્થાના ખાતામાં કે ઓફિસમાં જમા કરાવી નહોતી. સંસ્થાના ચોપડાની ચકાસણી કરતા માલૂમ પડ્યું હતું કે, 13 નવેમ્બર 2024થી 24 ડિસેમ્બર 2025 સુધીના ગાળામાં તેણે કુલ ₹9,80,700ની ફીના નાણાં બારોબાર ઓળવી લીધા હતા. સંચાલકે જ્યારે ફીની રકમ બાબતે કડક પૂછપરછ કરી, ત્યારે આરોપી વિજેન્દ્ર શરૂઆતમાં ખોટા બહાના બનાવતો રહ્યો હતો. આખરે ડિસેમ્બર 2025માં તે સંસ્થામાંથી રાજીનામું આપ્યા વિના જ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ભાગી છૂટ્યો હતો. BNSSની કલમ હેઠળ ગુનો દાખલ, આરોપી ઝડપાયો લાંબો સમય વીતી જવા છતાં નાણાં પરત ન મળતા અને આરોપીનો કોઈ પતો ન લાગતા આખરે સંસ્થાના સંચાલકે વલસાડ ટાઉન પોલીસ મથકે વિજેન્દ્ર ગોન્નાડે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 316(5) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરાર આરોપીને વલસાડમાંથી દબોચી લીધો DySPએ. કે. વર્માના જણાવ્યા મુજબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી ફરાર આરોપી વિજેન્દ્ર ગોન્નાડેને વલસાડની હદમાંથી જ દબોચી લીધો છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી તેનું સત્તાવાર નિવેદન નોંધ્યું છે. આ નાણાં તેણે ક્યાં વાપર્યા છે અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ કરવા માટે પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે."
Read Original Article →