વલસાડના બે વિદ્યાર્થીઓની જાપાનના સકુરા સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી:મગોદ ડુંગરી શાળાના વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat5/19/2026, 3:26:42 PM
વલસાડના બે વિદ્યાર્થીઓની જાપાનના સકુરા સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી:મગોદ ડુંગરી શાળાના વિદ્યાર્થીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
વલસાડ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના બે વિદ્યાર્થીઓની જાપાનમાં યોજાનારા પ્રતિષ્ઠિત “સકુરા સાયન્સ એક્શન પ્રોગ્રામ-2026” માટે પસંદગી થઈ છે. નિધિબેન ટંડેલ અને મેરીન ટંડેલ નામના આ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 56 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ વિભાગ હેઠળ જાપાનની અગ્રણી વિજ્ઞાન શિક્ષણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કુલ ચાર વિદ્યાર્થીઓ પસંદ થયા છે, જેમાં વલસાડ જિલ્લાના આ બંને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એક જ સરકારી શાળામાંથી બે વિદ્યાર્થીઓની પસંદગી થવી એ એક દુર્લભ સિદ્ધિ ગણાય છે. આ બંને વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. નિધિબેનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે મેરીનના પિતા ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, વાલીઓના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને શાળા પરિવારની મહેનતે તેમને આ વૈશ્વિક મંચ સુધી પહોંચાડ્યા છે. વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર નીતિન સાંગવાને બંને વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ તથા શાળાના આચાર્ય સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ વિદ્યાર્થીઓને કાર્યાલય ખાતે અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્યા તેજલબેન પટેલે પસંદગી પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પાસ કરેલી હોવી, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો અને સરકારી શાળાનો વિદ્યાર્થી હોવો એ ત્રણ મુખ્ય માપદંડ હતા. જિલ્લામાંથી મોકલાયેલા ત્રણ નામમાંથી આ બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે, મગોદ ડુંગરીની આ સરકારી શાળાને વર્ષ 2025માં જ વિજ્ઞાન પ્રવાહની મંજૂરી મળી હતી. ટૂંકા સમયમાં જ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવતાં સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. આગામી 24થી 30 મે દરમિયાન બંને વિદ્યાર્થીઓ જાપાનની મુલાકાત લઈ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક વૈશ્વિક ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Read Original Article →