વલસાડ સ્થાનિક સ્વરાજ ચૂંટણી:AAPએ 20થી વધુ ઉમેદવારો જાહેર કર્યા, ભાજપની યાદી પર સૌની નજર, કોંગ્રેસમાં મંથન ચાલુ
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પસંદગીને લઈ મથામણ ચાલી રહી છે. AAPના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, પાર્ટીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 3 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આગામી બે દિવસમાં અન્ય બેઠકો પર પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જીતુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા મુખ્ય મુદ્દો બનશે. તેમણે 'અસ્ટોલ યોજના' સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, લોકોને પીવાના પાણી માટે 2 થી 3 કિલોમીટર સુધી રઝળપાટ કરવો પડે છે. આ ઉપરાંત ચોમાસામાં ખરાબ રસ્તાઓની સમસ્યા પણ વિકટ છે. AAP આ જ પાયાના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 150 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 12 અને તાલુકા પંચાયતની 33 બેઠકો પર ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભાજપની યાદી શુક્રવારે જાહેર થવાની શક્યતા છે. પાર્લામેન્ટરી બોર્ડની આખરી મહોર બાદ જાહેર થનારા ભાજપના નામો પર હાલ સૌની નજર ટકેલી છે. AAP એ દાવો કર્યો છે કે તેઓ આ વખતે 30 થી 40 ટકા બેઠકો પર વિજય મેળવી મજબૂત પકડ બનાવશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ ચૂંટણી જંગ કેવો વળાંક લે છે.
Read Original Article →