વલસાડ કાનૂની સેવા સત્તા મંડળને નવી MUV ફાળવાઈ:કાનૂની જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે ઉપયોગ થશે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીને એક મલ્ટી યુટીલીટી વ્હીકલ (MUV) મહિન્દ્રા બોલેરો ગાડી ફાળવવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ કાનૂની જાગૃતિ કાર્યક્રમો, કાયદાના પ્રચાર-પ્રસાર અને લીગલ એઈડ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (નાલસા) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી આ વાહનની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે એક ફ્લેગ-ઓફ સેરેમની યોજાઈ હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી. અંજારીયા, ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી અને મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન ન્યાયમૂર્તિ એ. વાય. કોગ્ને સહિત અન્ય ન્યાયમૂર્તિઓએ વાહનને ફ્લેગ ઓફ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સભ્ય સચિવ હેતલ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતોના મુખ્ય જિલ્લા ન્યાયાધીશો અને વલસાડ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. નિપા રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં લોક અદાલત, મધ્યસ્થીકરણ અને કાનૂની જાગૃતિ જેવા લીગલ એઈડના કાર્યક્રમો સક્રિયપણે ચાલી રહ્યા છે. આ વાહનની ફાળવણીથી વલસાડ જિલ્લામાં કાનૂની જાગૃતિની કામગીરીને વધુ વેગ મળશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડના ચેરમેન કુ. નિપા રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ વાહનનો ઉપયોગ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી કાનૂની જાગૃતિ પહોંચાડવા અને વધુમાં વધુ આઉટરીચ પ્રવૃત્તિઓ કરવા માટે થશે.
Read Original Article →