વલસાડમાં 4 કરોડનો પાળો એક વર્ષમાં ધોવાયો:1200 એકર જમીન ખારી, પીવાના બોર પણ બગડ્યા

Gujarat5/21/2026, 9:49:23 AM
વલસાડમાં 4 કરોડનો પાળો એક વર્ષમાં ધોવાયો:1200 એકર જમીન ખારી, પીવાના બોર પણ બગડ્યા
વલસાડ તાલુકાના ભાગડાખુર્દ અને કોસંબા વિસ્તારમાં ઔરંગા નદીના કિનારે 4 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો પાળો એક જ વર્ષમાં તૂટી ગયો છે. આ પાળો તૂટવાને કારણે 1200 એકર ખેતીલાયક જમીન અને પીવાના પાણીના બોર ખારા થઈ ગયા છે. સ્થાનિક ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓએ વલસાડ કલેક્ટરને લેખિત રજૂઆત કરી નબળા કામ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દરિયાની ભરતીના ખારા પાણીને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે આશરે ₹4,10,87,210/- ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ગ્રામજનોના મતે, કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પાળાનું કામ ઓફિશિયલ ડ્રોઈંગ અને નિયત સ્ટ્રક્ચર મુજબ થયું ન હતું. પરિણામે, ભરતીના સામાન્ય દબાણમાં જ પાળો તૂટી પડ્યો. અરજદારોએ જણાવ્યું કે તેમનું ગામ દરિયાકાંઠાથી માત્ર 2 કિલોમીટર દૂર છે. છેલ્લા કેટલાક સમયથી પૂનમ અને અમાસની ભરતી વખતે દરિયાનું ખારું પાણી ખાંજણ ફળિયા વિસ્તારમાં ઘૂસી જાય છે. પાળો તૂટવાને કારણે આશરે 1200 એકર ફળદ્રુપ ખેતીલાયક જમીન નાશ પામી છે અને પીવાના પાણીના બોર પણ ખારા થઈ ગયા છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આખું ગામ સ્થળાંતર કરવાની ફરજ પડશે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિટિશ કાળ દરમિયાન નદીથી 500 થી 700 મીટર દૂર બનાવવામાં આવેલા જૂના પાળા આજે પણ મજબૂત સ્થિતિમાં છે. જ્યારે તંત્ર દ્વારા નદીના એકદમ નજીક માત્ર 100 મીટરના અંતરે નવો પાળો બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓમાં સિંચાઇ વિભાગ, જીઓલોજી વિભાગ અને WASMO ની સંયુક્ત ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી નવેસરથી કાયમી સર્વે કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નબળું કામ કરનાર એજન્સી સામે કડક પગલાં લેવા, દરવાજા અને પાળાનું યોગ્ય રિપેરિંગ કરી નવી વ્યવસ્થા ઊભી કરવી, અને જૂના બ્રિટિશ કાળના પાળાનું પ્રોપર પ્લાનિંગ કરીને તેને ફરીથી મજબૂત બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.
Read Original Article →