ગુજરાતનું ‘ચેરાપુંજી’ પાણી માટે તરસ્યું:વલસાડના કપરાડામાં 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે પાણી ભરતી મહિલાઓ, ₹586 કરોડની ‘એસ્ટોલ યોજના’ ફ્લોપ
ગુજરાત સરકાર ભલે હર ઘર નળ અને ‘નળ સે જળ’ યોજના અંતર્ગત વિકાસના ગગનચુંબી દાવાઓ કરતી હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી અત્યંત દયનીય અને હૃદયદ્રાવક તસવીરો સામે આવી છે. ચોમાસામાં જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે અને જેને ‘ગુજરાતનું ચેરાપુંજી’ તરીકે ઓળખવામાં આવે છે, તેવા મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયાના લોકો આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. અહીંની મહિલાઓ અને પુરુષો પેટની તરસ છિપાવવા માટે દરરોજ મોતના મોંમાં જવા મજબૂર બન્યા છે. 45 ફૂટ ઊંડો કૂવો અને મોતની સવારી
અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા આ બેરસ્તા ફળિયામાં કહેવા માટે 8 જેટલા સરકારી કૂવા છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી સુકાઈ જતાં હવે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરે છે. જ્યારે અન્ય કૂવાઓમાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે. કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું-ઘણું પાણી ટીપે-ટીપે એકઠું થાય છે, તેને વાસણોમાં ભરીને ઉપર લાવવામાં આવે છે. આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતાં તેઓ કૂવામાં ખાબકે છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે. આ કોઈ સાહસિક રમત કે ફિલ્મનું શૂટિંગ નથી, પરંતુ અહીંની રોજની વાસ્તવિકતા છે. એક બેડા પાણી માટે કલાકોની પ્રતીક્ષા
બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ યુદ્ધ જીતવા બરાબર છે. કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે. એક પરિવારને માત્ર 1 થી 2 બેડાં પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કૂવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર બની છે. શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી આવી જ રીતે ચાલુ રહે છે. ₹586 કરોડની ‘એસ્ટોલ યોજના’ માત્ર કાગળ પર
કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહત્વકાંક્ષી 'એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના' તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ યોજના હેઠળ મોટી પલસાણ ગામમાં ઘરે-ઘરે નળના કનેક્શન તો આપી દેવાયા છે, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલા જ આ નળ અને પાઈપલાઈનો સડીને તૂટી ગઈ છે. કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
આ ગંભીર મુદ્દે વિપક્ષે પણ સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ દ્વારા એક્સ પર ટ્વીટ કરીને આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે, ગુજરાત મોડેલનું સત્ય! વલસાડમાં લોકો દરરોજ પોતાનો જીવ જોખમમાં નાખીને પીવાના પાણી માટે 45 ફૂટના ખાડામાં ઉતરે છે. ગુજરાતમાં ભાજપ સરકાર લગભગ 31 વર્ષથી સત્તામાં છે, અને ત્યાંના લોકો આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે. ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી
આઝાદીના દાયકાઓ બાદ પણ જો લોકોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે જીવ સટોસટનો ખેલ ખેલવો પડતો હોય, તો વિકાસના દાવાઓ તદ્દન નિરર્થક સાબિત થાય છે. હવે કંટાળેલા ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માગ કરી છે.
Read Original Article →