વલસાડમાં ધોરણ 10-12ના અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ:જુલાઈની પૂરક પરીક્ષા માટે વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન અપાશે
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન વર્ગો શરૂ કર્યા છે. જુલાઈ 2026માં યોજાનારી પૂરક પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ગો જિલ્લાના તમામ તાલુકાઓમાં શરૂ કરાયા છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નિરાશામાંથી બહાર લાવી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ કે જેઓ એક કે બે વિષયમાં નાપાસ થતાં અભ્યાસ છોડવાનો વિચાર કરતા હોય છે, તેમને ફરી શિક્ષણ પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનમાં દરેક તાલુકામાં એક "કેન્દ્ર શાળા" નક્કી કરવામાં આવી છે. અહીં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વેકેશન હોવા છતાં, અનેક પ્રતિષ્ઠિત શાળાઓ અને અનુભવી શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી છે. જિલ્લાના અનુભવી આચાર્યઓ પણ સમગ્ર કામગીરી પર નજર રાખી સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આધુનિક સમયને અનુરૂપ શિક્ષણમાં ટેકનોલોજીનો પણ સમાવેશ કરાયો છે. ઓફલાઇન વર્ગો સવારે 8થી 10 વાગ્યા સુધી કેન્દ્ર શાળાઓમાં યોજાશે, જ્યારે દૂરના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ મુશ્કેલ વિષયોનું સરળતાથી માર્ગદર્શન મેળવી શકશે. જિલ્લા શિક્ષણ વિભાગે તમામ અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અપીલ કરી છે કે નિષ્ફળતાથી હતાશ થયા વિના આ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સુવિધાનો લાભ લઈ જુલાઈની પૂરક પરીક્ષામાં સફળતા મેળવે.
Read Original Article →