વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરાયા:પ્રમુખપદ માટે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખપદ માટે શૈલેષ પટેલે ફોર્મ ભર્યું; આવતીકાલે સત્તાવાર વરણી
વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. પ્રમુખ પદ માટે હેતલબેન જીતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષભાઈ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. તાજેતરમાં યોજાયેલી વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આજે જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ઉમેદવારી પત્રો પક્ષના હોદ્દેદારો અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આવતીકાલે યોજાનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નામો પર આખરી મહોર લગાવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. દરમિયાન, જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત અંગે પૂછવામાં આવતા એક સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, "હાલમાં ઉનાળાની અંતિમ સિઝન ચાલી રહી હોવાથી કેટલીક જગ્યાએ પાણીની સમસ્યા સર્જાવી સ્વાભાવિક છે. જોકે, સ્થિતિ ગંભીર નથી." તેમણે ઉમેર્યું હતું કે, “નવી ટીમ પદભાર સંભાળ્યા બાદ સંગઠનના હોદ્દેદારો અને મહામંત્રીઓ સાથે મળીને પાણી સહિતના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાથમિકતા આપશે.”
Read Original Article →