વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:પ્રમુખ તરીકે હેતલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની પસંદગી, પત્રકારોને કવરેજથી રોકતા વિવાદ સર્જાયો
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે હેતલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની પસંદગી કરાઈ છે. જોકે, આ સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 36માંથી 32 બેઠકો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. આ બહુમતીના આધારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વલસાડ GMERS ના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધ બારણે યોજાઈ સામાન્ય સભા આ મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમનું કવરેજ કરવા પહોંચેલા સ્થાનિક પત્રકારોને ચૂંટણી અધિકારી (ચાર્જ ધરાવતા ડાંગ કલેક્ટર) દ્વારા સભાસ્થળે પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. લોકશાહીની પ્રક્રિયાથી મીડિયાને વંચિત રાખવાના આ વલણ સામે વલસાડના પત્રકારોએ ઘટનાસ્થળે જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પત્રકારોની રજૂઆતો અને આક્રોશ છતાં વહીવટી તંત્ર પોતાના નિર્ણય પર અડગ રહ્યું હતું. આખરે, જિલ્લા પંચાયતની આ ખાસ સામાન્ય સભા બંધ બારણે યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણીની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. સરકારી તંત્રના આ વિવાદાસ્પદ વલણને કારણે સ્થાનિક મીડિયા જગતમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →