વલસાડના જ્વેલર્સમાં રોષ:PMની સોનું ન ખરીદવાની અપીલથી ધંધા પર અસરની ભીતિ

Gujarat5/13/2026, 5:42:34 PM
વલસાડના જ્વેલર્સમાં રોષ:PMની સોનું ન ખરીદવાની અપીલથી ધંધા પર અસરની ભીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે કરવામાં આવેલી અપીલના વલસાડના ઝવેરી બજારમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વલસાડના જાણીતા જ્વેલર્સ સંચાલક ભીમસિંગ રાજપુતે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભીમસિંગ રાજપુતે જણાવ્યું હતું કે, વડાપ્રધાને લગ્ન જેવા પ્રસંગોમાં પણ સોનું ન ખરીદવાની વાત કરી છે, જે વેપારીઓ માટે ચિંતાજનક છે. આ નિર્ણયથી માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો કારીગરોની રોજીરોટી પર પણ અસર થવાની ભીતિ છે. તેમણે ઉમેર્યું કે, એક તરફ સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી તરફ સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કર્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી 9% થી વધારીને 15% કરવામાં આવતા ભાવમાં સીધો રૂ. 12,000 જેવો ઉછાળો જોવા મળ્યો છે. આવા સંજોગોમાં લોકો પહેલેથી જ ખરીદીથી દૂર જઈ રહ્યા છે. વેપારીઓના મતે, જો સોનાનું વેચાણ ઘટશે તો આ વ્યવસાય સાથે જોડાયેલા લાખો કારીગરોની રોજગારીનો પ્રશ્ન ઊભો થશે. તેમના પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે. આટલા મોટા ટર્નઓવર પર સરકારને મોટી રકમ GST પેટે મળે છે, જે પણ જોખમાશે. ઉપરાંત, મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું હવે વધુ કઠિન બનશે. ભીમસિંગ રાજપુતે નાના-મોટા તમામ વેપારીઓ અને કારીગરોને એકઠા થઈને આ મામલે વિરોધ નોંધાવવા અપીલ કરી છે. આગામી દિવસોમાં આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. ભીમસિંગ રાજપુતે વધુમાં કહ્યું કે, “સરકારે અપીલ કરતા પહેલા નાના વેપારીઓ અને કારીગરો વિશે વિચારવું જોઈતું હતું. જો ધંધો જ નહીં રહે તો આટલા બધા લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે?”
Read Original Article →