વલસાડ સંસ્થામાં માર્કેટિંગ હેડે 9.80 લાખની છેતરપિંડી કરી:ફી ઉઘરાવી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાથે ₹9.80 લાખની છેતરપિંડી થઈ છે. સંસ્થાના માર્કેટિંગ હેડ વિજેન્દ્ર તુલસીરામ ગોન્નાડેએ વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી ઉઘરાવી સંસ્થામાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે વાપરી લીધી હતી. આ મામલે વલસાડ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. સંસ્થાના સંચાલક રાકેશભાઈ કરણસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે નવેમ્બર 2024માં વિજેન્દ્ર ગોન્નાડેને માર્કેટિંગ હેડ તરીકે નોકરી પર રાખ્યો હતો. વિજેન્દ્રનું મુખ્ય કાર્ય સંસ્થાના કોર્સ માટે વિદ્યાર્થીઓનું માર્કેટિંગ કરી પ્રવેશ અપાવવાનું અને તેમની ફી ઉઘરાવી સંસ્થામાં જમા કરાવવાનું હતું. શરૂઆતમાં વિજેન્દ્રએ સંસ્થાનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ ઓક્ટોબર 2025 પછી તેની દાનત બગડી હતી. સંચાલકની બીમારીનો લાભ ઉઠાવી તેણે નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફી રસીદ બુક મુજબ ઉઘરાવી લીધી હતી, પરંતુ આ રકમ ઓફિસમાં જમા કરાવી નહોતી. જ્યારે સંચાલકે ફી બાબતે પૂછપરછ કરી ત્યારે તેણે ખોટા બહાના બનાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિજેન્દ્રએ 13 નવેમ્બર 2024 થી 24 ડિસેમ્બર 2025 દરમિયાન કુલ ₹9,80,700ની રકમની ઉચાપત કરી હતી. ગત ડિસેમ્બર મહિનામાં તે સંસ્થા છોડીને નાસી ગયો હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. જોકે, ગતરોજ વિજેન્દ્ર ગોન્નાડે મળી આવતા તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ B.N.S.S. ની કલમ 316(5) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
Read Original Article →