વલસાડ આરોગ્ય વિભાગ ચોમાસા પૂર્વે સજ્જ:રોગચાળાને નાથવા એક્શન પ્લાન તૈયાર, કર્મચારીઓને તાલીમ અપાઈ

Gujarat5/12/2026, 5:03:41 AM
વલસાડ આરોગ્ય વિભાગ ચોમાસા પૂર્વે સજ્જ:રોગચાળાને નાથવા એક્શન પ્લાન તૈયાર, કર્મચારીઓને તાલીમ અપાઈ
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ તેજ કરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ મેડિકલ ઓફિસરો અને સુપરવાઈઝરો સાથે તાલુકાવાર બેઠકો યોજી ચોમાસા દરમિયાન લેવાના થતા સાવચેતીના પગલાં અને કામગીરી અંગે માર્ગદર્શન અપાયું છે. પાયાની કામગીરી કરતી આશા વર્કરોને પણ ખાસ તાલીમ આપવાની શરૂઆત થઈ છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી લોજિસ્ટિક્સ, જેમ કે ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) સુધી પહોંચાડી દેવાયો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. ઉનાળામાં પક્ષીઓ માટે રખાયેલા કુંડા કે પાત્રો ચોમાસામાં ઊંધા વાળી દેવા જેથી તેમાં મચ્છરોનો પ્રજનન ન થાય. બાંધકામ સાઇટ્સ પર પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા કોન્ટ્રાક્ટરોને સૂચના અપાઈ છે. જો પાણી નિકાલ શક્ય ન હોય તો ત્યાં બળેલું ઓઈલ નાખવા જણાવાયું છે. ઘરની આસપાસ એક ચમચી જેટલું પણ પાણી ભરાવા ન દેવાની પણ અપીલ કરાઈ છે, કારણ કે તે મચ્છરો માટેનું ઉત્પત્તિ સ્થાન બની શકે છે. ચોમાસું જામ્યા બાદ આરોગ્યની ટીમો દ્વારા પંચરની દુકાનો, નર્સરી અને પાણી ભરાય તેવા જાહેર વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે. જરૂર જણાયે હાઉસ ટુ હાઉસ સર્વે અને એબેટ એપ્લિકેશનની કામગીરી પણ કરવામાં આવશે. જિલ્લા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ અધિકારી ડો. વીરેન પટેલે જણાવ્યું કે, "અમે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. લોકો સહકાર આપે અને પાણીનો ભરાવો ન થવા દે તો રોગચાળાને ચોક્કસપણે અટકાવી શકાશે."
Read Original Article →