ઓનલાઈન દવાઓના વિરોધમાં કેમિસ્ટોની એક દિવસીય હડતાળ:વલસાડ સહિત ગુજરાતના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા

Gujarat5/20/2026, 6:14:14 AM
ઓનલાઈન દવાઓના વિરોધમાં કેમિસ્ટોની એક દિવસીય હડતાળ:વલસાડ સહિત ગુજરાતના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા
વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં આજે મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા. ઓનલાઈન દવાઓના આડેધડ વેચાણ, નકલી દવાઓનો વધતો વ્યાપ અને ડિસ્કાઉન્ટના નામે થતી છેતરપિંડીના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિએશને પણ આ બંધને સમર્થન આપ્યું હતું. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) અને ગુજરાત ફેડરેશનના આહવાન પર વલસાડ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા હતા. આ હડતાળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન ફાર્મસી દ્વારા થતી ગેરરીતિઓ સામે સરકારનું ધ્યાન દોરવાનો હતો. મેડિકલ સ્ટોર સંચાલકોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ફાર્મસીના કારણે બજારમાં નકલી અને ડુપ્લિકેટ દવાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ઉપરાંત, નાર્કોટિક્સ દવાઓનું પણ ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ભીતિ સેવાઈ રહી છે, જે દેશના યુવાધનને નુકસાન પહોંચાડી શકે છે. મેડિકલ સ્ટોર સંચાલક કૌશિક માકડીયાએ જણાવ્યું હતું કે, "ઓનલાઈન દવાઓમાં ડિસ્કાઉન્ટના ચક્કરમાં આમ જનતાને છેલ્લે તો નુકસાન જ થાય છે. ડુપ્લિકેટ દવાઓ પકડાય છે અને તેનાથી દર્દીને કોઈ પરિણામ મળતું નથી. આ ગંભીર બાબતના વિરોધમાં આજે અમે આખા ભારતમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે." કેમિસ્ટોએ સ્પષ્ટતા કરી છે કે આ લડત કોઈ વ્યક્તિગત નફા માટે નથી, પરંતુ જનતાના સ્વાસ્થ્ય અને હિતમાં છે. દવાબજાર બંધ રહેવાને કારણે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રિટેલ અને હોલસેલ વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસીમાં કોઈ અધિકૃત ફાર્માસિસ્ટ હાજર હોતો નથી. જ્યારે સામાન્ય મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાઓ ચકાસીને દર્દીઓને આપવામાં આવે છે, જે સલામતી સુનિશ્ચિત કરે છે. ઓનલાઈન ફાર્મસી સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓમાં દવા પરત લેવાનો ઇનકાર (જો ડોક્ટર દવા બદલી આપે તો), એક્સપાયરી ડેટ નજીક હોય તેવી કે થઈ ગયેલી દવાઓ પધરાવી દેવાના કિસ્સા, અને દર્દીને દવા કેવી રીતે લેવી તેનું સાચું માર્ગદર્શન ન મળવાનો સમાવેશ થાય છે. મેડિકલ સ્ટોર સંચાલક મનીષ ભરૂચાએ જણાવ્યું હતું કે, "આ હડતાલથી કેમિસ્ટોને કોઈ આર્થિક લાભ નથી, આ માત્ર ને માત્ર આમ જનતાની સુરક્ષા માટે છે. સરકાર અને સંબંધિત મંત્રાલયો સમક્ષ અમારી રજૂઆત ચાલુ છે કે જાહેર આરોગ્યને નુકસાન ન થાય તેવા કડક નિયમો ઓનલાઈન વેચાણ પર લાદવામાં આવે."
Read Original Article →