વલસાડના ગાદીજી મંદિરે 151 વર્ષે પ્રથમવાર પ્રેરણા પર્વ:આજે છપ્પન ભોગ મનોરથ સાથે દ્વિદિવસીય ઉજવણીનો અંત

Gujarat5/24/2026, 3:09:27 AM
વલસાડના ગાદીજી મંદિરે 151 વર્ષે પ્રથમવાર પ્રેરણા પર્વ:આજે છપ્પન ભોગ મનોરથ સાથે દ્વિદિવસીય ઉજવણીનો અંત
વલસાડ સ્થિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના 151 વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક ગાદીજી મંદિર (મોટી મહેતવાડ) ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત દ્વિદિવસીય ‘ગાદીજી પ્રેરણા પર્વ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે પ્રથમ દિવસે વિવિધ દિવ્ય કાર્યક્રમો અને વચનામૃતનું આયોજન કરાયું હતું, જ્યારે આજે રવિવારે ઉત્સવના બીજા દિવસે ભવ્ય 56 ભોગ (બડો મનોરથ) ધરીને આ દિવ્ય અવસરની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અધિક જેઠ સુદ આઠમ એટલે કે શનિવારે સાંજે ગાદીજી પ્રેરણા પર્વ સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં આચાર્યચરણો દ્વારા દિવ્ય વચનામૃતનો લાભ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગાદીજી મંદિર પ્રત્યેની વલસાડના વૈષ્ણવોની ગુરુભક્તિ અને અખૂટ શ્રદ્ધા સદાય જળવાઈ રહેવી જોઈએ. શનિવારે સાંજે યોજાયેલા ‘વિવાહ ખેલના ભવ્ય મનોરથ’ દર્શનનો લાભ લઈ તમામ વૈષ્ણવો ભાવવિભોર બન્યા હતા. આજે રવિવારે (અધિક જેઠ સુદ નોમ) પ્રેરણા પર્વના બીજા અને અંતિમ દિવસે ગાદીજી હવેલી ખાતે અલોકિક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે 5:30 વાગ્યાથી દિવ્ય વચનામૃત, સાંજે 6:30 વાગ્યે વિજય તિલક અને ત્યારબાદ સાંજે 5:30 થી 8:30 દરમિયાન પ્રભુ સન્મુખ ભવ્ય 'છપ્પન ભોગ' (બડો મનોરથ) ધરવામાં આવશે. આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે સમગ્ર વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read Original Article →