ઈરાન યુદ્ધ વચ્ચે દરિયામાં ફસાયેલા માછીમારો 40 દિવસે વતનમાં આવ્યા:નજર સામે મિસાઈલો છૂટતી, આકાશ લાલચોળ થતું ને દરિયામાં ઘ્રુજારી છૂટતી;વલસાડમાં ફૂલહારથી સ્વાગત

Gujarat4/13/2026, 11:27:18 AM
ઈરાન યુદ્ધ વચ્ચે દરિયામાં ફસાયેલા માછીમારો 40 દિવસે વતનમાં આવ્યા:નજર સામે મિસાઈલો છૂટતી, આકાશ લાલચોળ થતું ને દરિયામાં ઘ્રુજારી છૂટતી;વલસાડમાં ફૂલહારથી સ્વાગત
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે મધદરિયે ફસાયેલા ગુજરાતના માછીમારો આખરે મોતના મુખમાંથી બચીને હેમખેમ વતન પરત ફર્યા છે. છેલ્લા 40 દિવસ સુધી દરિયાના મોજાં અને આકાશમાંથી વરસતી મિસાઈલો વચ્ચે જીવના જોખમે વિતાવેલી પળોનું વર્ણન કરતા માછીમારો ભાવુક બન્યા હતા. વલસાડ જિલ્લાના 72 સહિત દેશભરના 500થી વધુ માછીમારો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. મધરાતે આકાશ લાલચોળ થતું અને દરિયો ધ્રૂજતો વતન પરત ફરેલા માછીમારોએ આપવીતી વર્ણવતા જણાવ્યું કે, જ્યારે અમે દરિયામાં બોટ લઈને જતા ત્યારે આકાશમાં યુદ્ધ વિમાનોનો ભારે ગણગણાટ સંભળાતો હતો. ઘણીવાર નજર સામે જ મિસાઈલો છૂટતી દેખાતી હતી. રાત્રિના સમયે આકાશ લાલચોળ થઈ જતું અને મોટા ધડાકાઓને કારણે દરિયાના પાણીમાં પણ ધ્રુજારી અનુભવાતી હતી. એ દ્રશ્યો જોઈને લાગતું હતું કે હવે કદાચ પરિવારને ક્યારેય નહીં મળી શકીએ. 40 દિવસનો સંઘર્ષ સંપર્ક વિહોણી સ્થિતિ: યુદ્ધને કારણે નેટવર્ક અને સંદેશાવ્યવહાર ખોરવાઈ જતા માછીમારો પરિવાર સાથે સંપર્ક કરી શકતા નહોતા. જીવનજરૂરી ચીજોની તંગી: દરિયામાં ફસાયેલા હોવાથી પીવાના પાણી અને રેશનિંગની ભારે અછતનો સામનો કરવો પડ્યો હતો. માનસિક તણાવ: દરેક ક્ષણે ડ્રોન કે મિસાઈલ હુમલાનો ભય સતાવતો હોવાથી માછીમારો સતત ફફડાટમાં જીવતા હતા. સ્થાનિક સ્થિતિ: ઈરાનના બંદરો પર અવરજવર બંધ હતી અને સુરક્ષા દળોનો ચુસ્ત પહેરો હતો. સ્થાનિક વસ્તી પણ અત્યંત ભયભીત હતી. વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત ભારત સરકારના પ્રયાસોથી માછીમારો વતન પરત ફરતા વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને અધિક કલેક્ટર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. માછીમારોએ આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. "આ અમારો બીજો જન્મ છે" લાંબા સમયના સંઘર્ષ બાદ વતનની માટી પર પગ મૂકતા જ માછીમારો અને તેમના પરિવારજનોના હૈયા ભરાઈ આવ્યા હતા. માછીમારોએ રાહતનો શ્વાસ લેતા કહ્યું કે, "ઈરાનનો એ દરિયો હવે અમારા માટે કોઈ ભયાનક સપનાથી ઓછો નથી. આજે જીવતા પાછા આવ્યા છીએ એ અમારા માટે બીજો જન્મ છે." કપરા સમયમાં સરકાર અમારી વ્હારે આવી નવીન ટંડેલ નામના માછીમારે કહ્યું હતું કે, જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે અમે ફિશિંગ માટે ત્યાં ગયા હતા અને ખરાબ રીતે ફસાઈ ગયા. 40 દિવસ સુધી અમે જે તકલીફો વેઠી છે તે વર્ણવી શકાય તેમ નથી. અમારી પાસે માત્ર એક જ આશા હતી—કેન્દ્ર અને ગુજરાત સરકાર. આજે ગામના સરપંચો, સ્થાનિક નેતાઓ અને ભારત સરકારના અથાક પ્રયત્નોથી અમે સહી-સલામત વતન પાછા ફર્યા છીએ. આ કપરા સમયમાં સરકાર અમારી વ્હારે આવી તે બદલ અમે ખૂબ આભારી છીએ. 50થી 150 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટ થતા શૈલેષ ટંડેલ નામના માછીમારે કહ્યું હતું કે, અમે ટીવી પર જે યુદ્ધ જોતા હતા, તે ત્યાં નજર સામે લાઈવ જોઈ રહ્યા હતા. અમારી આસપાસ 50થી 150 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટ થતા હતા. પરિવારની યાદમાં કલાકો ગણતા કે હવે જીવતા ઘરે પહોંચીશું કે નહીં તેની કોઈ ખાતરી નહોતી. લોકોએ ટિકિટ માટે પોતાના મોબાઈલ અને વીંટીઓ સુધી વેચી દીધી હતી, પણ ભારત સરકારે જે રીતે અમને મદદ કરી અને પાણીની બોટલના પણ પૈસા લીધા વગર વતન પહોંચાડ્યા, તે સપના સમાન છે. ભારત સરકાર અને એમ્બેસીના સહયોગથી જ આજે અમે અમારા પરિવારને મળી શક્યા છીએ. ઈરાન બોર્ડરથી આર્મેનિયા થઈને ચેન્નાઈ પહોંચ્યા યોગેશ બારીયા નામના માછીમારે કહ્યું હતું કે, મિસાઈલો પડતી જોઈને અમે ભયભીત થઈ ગયા હતા. ત્યાં નેટવર્ક એટલું ખરાબ હતું કે પરિવાર સાથે વાત કરવા દરિયા કિનારે દૂર સુધી જવું પડતું. એમ્બેસીએ જે રસ્તો બતાવ્યો તે મુજબ અમે ઈરાન બોર્ડરથી આર્મેનિયા થઈને આખરે ચેન્નાઈ પહોંચ્યા અને ત્યાંથી આજે વલસાડ પરત આવ્યા છીએ. એ ડરામણો અનુભવ ક્યારેય ભૂલી શકાય તેમ નથી, પણ એમ્બેસીના સહારાએ અમને નવું જીવન આપ્યું છે.
Read Original Article →