વલસાડમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા આહવાન

Gujarat6/10/2026, 1:29:30 PM
વલસાડમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા આહવાન
વલસાડ જિલ્લામાં શૈક્ષણિક અને વહીવટી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન અને વી.એન. સવાણી શાળા ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને આયોજિત આ સેમિનારમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષાના પરિણામોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. નવા શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન ગુણવત્તાયુક્ત શિક્ષણ, પરિણામ સુધારણા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડૉ.રાજેશ્રી ટંડેલે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારી શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં વધુ સારા પરિણામો માટે તમામ શાળાઓએ આયોજનબદ્ધ રીતે કાર્ય કરવું અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓના બૌદ્ધિક, સામાજિક અને નૈતિક વિકાસને ધ્યાનમાં રાખીને ‘360 ડિગ્રી અભિગમ’ અપનાવવા પર ભાર મૂક્યો હતો. સેમિનારમાં વિશેષ ઉપસ્થિત સેલ્ફ ફાઇનાન્સ એસોસિયેશન વલસાડના સ્થાપક અને અધ્યક્ષ પૂજ્ય કપિલ સ્વામીજીએ શિક્ષણના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર પુસ્તક આધારિત જ્ઞાન આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યો, સંસ્કાર અને ચારિત્ર્યનું નિર્માણ કરવાનો પણ છે. તેમણે વલસાડ જિલ્લાને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રસર બનાવવા માટે નવી ટેક્નોલોજી અને આધુનિક અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અલ્પાબેન કોટડિયા, રાજુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, પંકજભાઈ પરમાર, દીપકભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ શિક્ષણ સંગઠનોના હોદ્દેદારો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 100 ટકા પ્રવેશ સુનિશ્ચિત કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત, પ્રિ-સર્વે, પોસ્ટ-સર્વે અને ‘બેક ટુ સ્કૂલ’ જેવા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સર્વાંગી અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્શન પ્લાન બનાવી પરિણામ સુધારણા માટેના પ્રયાસો તેજ કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
Read Original Article →