ચણવઈ વાડીફળિયાનો ₹1.08 કરોડનો ડેમ બિસ્માર:હલકી કામગીરી અને ચોરીથી વિવાદ, ગ્રામજનોએ TDOને રજૂઆત કરી

Gujarat5/22/2026, 7:55:04 AM
ચણવઈ વાડીફળિયાનો ₹1.08 કરોડનો ડેમ બિસ્માર:હલકી કામગીરી અને ચોરીથી વિવાદ, ગ્રામજનોએ TDOને રજૂઆત કરી
વલસાડ તાલુકાના ચણવઈ ગામના વાડીફળિયા વિસ્તારમાં આવેલી નદી પર અંદાજે 7 વર્ષ પહેલાં ₹1.08 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ડેમ અને પ્રોટેક્શન વોલ હાલમાં સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ બાબતે સ્થાનિક આદિવાસી આગેવાનો અને રહીશોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ચોમાસા પહેલાં માત્ર કાગળ પર રિપેરિંગ થતું હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનોએ વીડિયો પ્રસારણ દ્વારા ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, વર્ષ 2024થી આ ડેમના રિપેરિંગ માટે ગ્રાન્ટ અને એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસું શરૂ થવાના બરાબર એક મહિના પહેલાં જ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે, પરંતુ તેમાં અત્યંત હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે. પરિણામે, જૂન મહિનામાં પડતા પ્રથમ વરસાદના વહેણમાં જ સમગ્ર રિપેરિંગ કામ ધોવાઈ જાય છે. છેલ્લા 3 વર્ષથી આ સિલસિલો સતત ચાલી રહ્યો છે અને તંત્ર દ્વારા 3 વાર રિપેરિંગ કરાયું હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્લેબ તૂટ્યા અને લોખંડના સળિયાની ચોરી થઈ વર્ષ 2025માં સ્થાનિકોએ આ મામલે રજૂઆત કરી હતી, જેના પગલે અધૂરા કામને ફરી મંજૂરી અપાઈ હતી. જોકે, આ વખતે પણ વરસાદી વાતાવરણનું બહાનું ધરીને કામ અધૂરું છોડી દેવાયું હતું. અગાઉ કરેલું રિપેરિંગ ઉખડી જતાં ડેમનો સ્લેબ તૂટી ગયો છે અને અંદર ફિટ કરેલા લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ દરમિયાન ડેમના રિપેરિંગ માટે સાઇટ પર રાખવામાં આવેલા લોખંડના સળિયા રાત્રિ દરમિયાન અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની વિગતો પણ સામે આવી છે, જેના કારણે હાલમાં બાંધકામ સંપૂર્ણપણે અટવાયું છે. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ અને ચીમકી તાત્કાલિક સ્થળ તપાસ: સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને બિસ્માર ડેમની જાતતપાસ કરે. ગુણવત્તાયુક્ત કામગીરી: વારંવાર ધોવાઈ જતાં તકલાદી કામને બદલે એક જ વારમાં મજબૂત અને ટકાઉ બાંધકામ વહેલી તકે શરૂ કરવામાં આવે. આંદોલનની ચીમકી જો તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે ન્યાય મેળવવા માટે કાનૂની કે આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Read Original Article →