વલસાડમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી:નશામુક્તિ સંકલ્પ સાથે રેલી યોજાઈ, માય ભારત અને વલસાડ રેસર્સ દ્વારા આયોજન
વલસાડમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના 'માય ભારત વલસાડ' વિભાગ દ્વારા વલસાડ રેસર્સ ગ્રુપ અને અનસીન ભારત એક્સપ્લોરરના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દિલ્હી હેડક્વાર્ટરથી વલસાડ ખાતે બદલી પામેલા નવનિયુક્ત જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 'માય ભારત' વિભાગ મુખ્યત્વે 15 થી 29 વર્ષના યુવાનોના વિકાસ અને ટેકનોલોજી આધારિત સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે પ્રકાશ પાડ્યો હતો. સાયકલિંગ માત્ર સ્વાસ્થ્ય સુધારવા માટે જ નહીં, પરંતુ પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા માટે પણ અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને યાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે, જો નાગરિકો ઓફિસ, સ્કૂલ કે નજીકના 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તો દેશમાં પેટ્રોલ-ડીઝલની બચત થશે, જે આડકતરી રીતે દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મોટું યોગદાન આપશે. આ ઉજવણી સામાજિક જાગૃતિનું કેન્દ્ર પણ બની હતી. રેલીની શરૂઆત પૂર્વે તમામ સાયકલિસ્ટો અને યુવાનોએ એકઠા થઈને દેશને નશામુક્ત બનાવવા માટેના શપથ લીધા હતા. ઉપસ્થિતોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નહીં કરે અને અન્ય લોકોને પણ નશો ન કરવા પ્રેરિત કરશે. તેઓ પરિવાર, મિત્રો અને સમાજને નશાના દૂષણથી બચાવી 'નશામુક્ત ભારત'ના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે. આ સાયકલ રેલી સવારે 7 કલાકે વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જે વલસાડના પ્રખ્યાત તિથલ બીચ ખાતે સમાપ્ત થઈ હતી. 'નેશન ફર્સ્ટ ચેલેન્જ' અને 'ફિટ ઈન્ડિયા' મૂવમેન્ટ અંતર્ગત યોજાયેલી આ રેલીમાં બાળકો, યુવાનોથી લઈને સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Original Article →