વલસાડ કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યાના PM મોદી પર પ્રહાર:'પ્રજાને સલાહ આપતા પહેલા પોતાના નેતાઓ પાસે અમલ કરાવો'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાનના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને AICC સભ્ય ગૌરવ પંડ્યાએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રજાને જે શિખામણ આપવામાં આવે છે તેની શરૂઆત પહેલા પોતાના પક્ષના હોદ્દેદારોથી થવી જોઈએ. પંડ્યાએ આક્ષેપ કર્યો કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને કારણે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર અંકુશ રાખ્યો હતો. ચૂંટણી પૂરી થતા જ પ્રજાને પેટ્રોલ કરકસરથી વાપરવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, જો આ વાત 26 એપ્રિલ પહેલા કરી હોત તો ભાજપની સરકાર ન આવતે. ગૌરવ પંડ્યાએ વડાપ્રધાનને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેઓ પ્રજા પાસેથી અપેક્ષાઓ રાખે છે, તો શું તેમના પક્ષના નેતાઓ ત્યાગ કરવા તૈયાર છે? તેમણે માંગ કરી કે, ભાજપના તમામ હોદ્દેદારો આગામી એક વર્ષ સુધી સોનું કે ચાંદીની ખરીદી નહીં કરવાની જાહેરાત કરે, ત્યારબાદ જ પ્રજા પાસેથી આવી કોઈ અપેક્ષા રાખવી જોઈએ. તેમણે સરકારી તંત્રમાં થતા બગાડ અંગે પણ આકરા પ્રહાર કર્યા. પંડ્યાએ માંગ કરી કે, સરકારી અધિકારીઓ અને VIP કાફલા પાછળ થતો ડીઝલનો મોટો બગાડ તાત્કાલિક અટકાવવામાં આવે. વધુમાં, તેમણે સૂચવ્યું કે મંત્રીઓ અને અધિકારીઓ સરકારી ગાડીઓ છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટ (બસ-ટ્રેન)નો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને તમામ અધિકારીઓ પાસેથી સરકારી ગાડીઓ પાછી ખેંચી લેવી જોઈએ. પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા પંડ્યાએ કહ્યું કે, પેટ્રોલિયમ કંપનીઓ લાખો-કરોડોના નુકસાનમાં ચાલી રહી હોવાનું ચિત્ર ઊભું કરાય છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડે તો જ ભાવ જળવાઈ રહેશે, અન્યથા આગામી દિવસોમાં ફરી ભાવ વધારો ઝીંકાય તે નિશ્ચિત છે. વડાપ્રધાનના વડોદરા અને સોમનાથ ખાતેના રોડ-શો અને જાહેર સભાઓ સામે સવાલ ઉઠાવતા ગૌરવ પંડ્યાએ પૂછ્યું કે, આ કાર્યક્રમો માટે 1700થી વધુ એસ.ટી. બસો મંગાવીને જે મેળાવડા કરવામાં આવ્યા, તેમાં પ્રજાને શું ફાયદો થયો? તેમણે આને સરકારી નાણાં અને સંસાધનોનો પક્ષના પ્રચાર માટેનો દૂરુપયોગ ગણાવ્યો.
Read Original Article →