વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી:નાગરિકોને 31મી મે સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર સ્વ-ગણતરી પૂર્ણ કરવા અપીલ કરી

Gujarat5/20/2026, 2:00:08 PM
વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી:નાગરિકોને 31મી મે સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર સ્વ-ગણતરી પૂર્ણ કરવા અપીલ કરી
વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી-2027 અંતર્ગત પોતાની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમણે જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રનિર્માણના આ મહત્વપૂર્ણ કાર્યમાં જોડાઈને સ્વ-ગણતરી કરવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. કલેક્ટરે નાગરિકોને 31મી મે સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી પૂર્ણ કરવા જણાવ્યું છે. વસ્તી ગણતરીમાંથી મળતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થાય છે. નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈને સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. આ ઉપરાંત, વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીએ પણ વાપી મનપા વિસ્તારના રહેવાસીઓને વસ્તી ગણતરી માટે આવતા કર્મચારીઓને સહયોગ આપવા વિનંતી કરી છે. તેમણે યુવાનોને તેમના પરિવાર અને આસપાસના લોકોની પણ પોર્ટલ પર એન્ટ્રી કરવામાં મદદરૂપ થવા અપીલ કરી છે. સ્વ-ગણતરી પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રાથમિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. નાગરિકોએ વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે. પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. બાદમાં વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે, જેમાં ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. બાદમાં ડેટા એન્ટ્રી અને ફાઈનલ સબમિશન કરવાનું રહેશે, જેમાં વસ્તી ગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. બાદમાં પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. જરૂર પડ્યે તેને એડિટ કરી શકાશે, પછીથી સબમિટ કરવા માટે ડ્રાફ્ટ તરીકે સેવ પણ કરી શકાશે અથવા ફાઈનલ સબમિટ કરી શકાશે. ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે 11 આંકડાનો યુનિક 'SE ID' જનરેટ થશે, જે મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. જ્યારે વસ્તી ગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે. જો આ આઈડી ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્ફર્મ ગણાશે, અન્યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે.
Read Original Article →