વલસાડમાં પાડોશીએ 7 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવ્યા:ફ્લેટમાં બોલાવી જાતીય સતામણીનો પ્રયાસ, પોક્સો હેઠળ ધરપકડ
વલસાડના કૈલાશ રોડ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક 40 વર્ષીય પાડોશીએ સાત વર્ષની બાળકીને પોતાના ફ્લેટમાં બોલાવી મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવ્યા હતા અને જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો. વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપીની પોક્સો હેઠળ ધરપકડ કરી છે. પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બની હતી. ભોગ બનનાર સાત વર્ષની બાળકી તેની નાની બહેન સાથે ફ્લેટના નીચેના પાર્કિંગ એરિયામાં રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા અજીતભાઈ દનુભાઈ ગાયકવાડ નામના શખ્સે બાળકીને કોઈ બહાને પોતાના ફ્લેટમાં બોલાવી લીધી હતી. ફ્લેટનો દરવાજો બંધ કરીને આરોપી અજીતે બાળકીને પોતાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો અને ફોટા બતાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને બાળકી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગી હતી. જોકે, આરોપીએ બાળકીનો હાથ પકડી લીધો હતો અને પોતાના પેન્ટની ચેઈન ખોલી શારીરિક અડપલાં તેમજ અશ્લીલ ચેષ્ટાઓ કરી હતી. બાળકીને પાડોશીના ઘરમાં જતી જોઈ ગયેલી તેની મોટી બહેનને શંકા ગઈ હતી. તેણે તુરંત જ ઘરે જઈને માતાને આ અંગે જાણ કરી હતી. માતા તાત્કાલિક આરોપીના ફ્લેટ પર પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો હતો. શરૂઆતમાં આરોપીએ દરવાજો ખોલ્યો નહોતો, પરંતુ બહાર હોબાળો થતાં જ બાળકી ગમે તેમ કરીને દરવાજો ખોલી બહાર ભાગી આવી હતી અને રડતા-રડતા માતાને આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના અન્ય રહીશો પણ એકત્ર થઈ ગયા હતા.
બાળકો વડીલોની નજરે રમે તે જરૂરી: DYSP વલસાડ વિભાગના ડીવાયએસપી એ. કે. વર્માએ જણાવ્યું હતું કે, “બનાવની ફરિયાદ મળતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ભોગ બનનાર બાળકીના પિતા વિદેશ (પગારદાર નોકરી અર્થે) રહે છે અને અહીં માતા પોતાના બાળકો સાથે રહે છે. વાલીઓને અપીલ છે કે સગીર વયના બાળકો જ્યારે પણ એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રમતા હોય, ત્યારે તેઓ કોઈ વડીલની દેખરેખ હેઠળ અથવા મોટા ભાઈ-બહેનની નજરે રમે તે ખૂબ જ જરૂરી છે, જેથી આવા બનાવો અટકાવી શકાય.” પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ પીડિતાની માતાએ તુરંત જ ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરતા વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અજીત ગાયકવાડને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૭૪, ૭૫(૧)(i), ૭૫(૧)(iii), ૭૫(૨), ૨૯૫ તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ ૧૧(iii) અને ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. રાજેન્દ્રસિંહને સોંપી છે. પોલીસ તપાસમાં આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, હાલ સગીરા અને આરોપી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read Original Article →