વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ-પારડી GIDCમાં દરોડા:મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળ મજૂરોને મુક્ત કરાવાયા, શ્રમ આયુક્ત સુપરવિઝનમાં 2 દિવસ સ્પેશિયલ ડ્રાઈવ

Gujarat6/6/2026, 3:08:45 PM
વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ-પારડી GIDCમાં દરોડા:મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળ મજૂરોને મુક્ત કરાવાયા, શ્રમ આયુક્ત સુપરવિઝનમાં 2 દિવસ સ્પેશિયલ ડ્રાઈવ
વલસાડ જિલ્લામાં બાળ મજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી GIDC વિસ્તારમાં દરોડા પાડ્યા. આ દરોડામાં કુલ 25 બાળ અને તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા છે. વિવિધ કંપનીઓમાં ઓચિંતી તપાસ આ સ્પેશિયલ ડ્રાઈવ 5 અને 6 જૂન દરમિયાન મદદનીશ શ્રમ આયુક્ત જી.એમ. ભૂટકાના સુપરવિઝનમાં હાથ ધરવામાં આવી હતી. તેમાં સરકારી શ્રમ અધિકારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિરીક્ષકો તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ કંટ્રોલ યુનિટના કર્મચારીઓ જોડાયા હતા. ટીમે ઉમરગામ અને પારડીની વિવિધ કંપનીઓમાં ઓચિંતી તપાસ કરી હતી. સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ છોડાવાયા તપાસ દરમિયાન ઉમરગામની અરુણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત, UNICORP STAINER મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ.માંથી 4, પારડીની યુનાઈટેડ કોપર ઇન્ડસ્ટ્રીઝમાંથી 1 અને ઈનો પેકસીલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 1 તરુણ શ્રમયોગીને મુક્ત કરાયા હતા. 2 તરુણો ગુજરાતના રહેવાસી મુક્ત કરાયેલા કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રોજગારીના બહાને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવેલા આ કિશોરોને વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામે લગાડવામાં આવ્યા હતા. તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળ મજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986 હેઠળ તમામ જવાબદાર માલિકોને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળ મજૂરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી તપાસો વધુ સઘન બનાવવામાં આવશે.
Read Original Article →