વલસાડમાં ભાજપનો નવો પ્રયોગ: યુવા સંભાળશે બૂથ:કોંગ્રેસ પ્રભુત્વવાળા 329 મતદાનમથક પર પકડ મજબૂત કરાશે
વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. 'યુથ સંભાળશે બૂથ' અભિયાન અંતર્ગત જિલ્લા યુવા ભાજપના કાર્યકરો કોંગ્રેસ પ્રભુત્વવાળા મતદાન મથકો પર પક્ષની પકડ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે. જિલ્લામાં કુલ 329 એવા મતદાન મથકો છે જે પરંપરાગત રીતે કોંગ્રેસ પ્રેરિત અથવા કોંગ્રેસના પ્રભુત્વવાળા ગણાય છે. આ મથકો પર ભાજપનો પક્ષ નબળો હોવાથી તેને 'C' અને 'D' કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ નબળા બૂથોને 'પ્લસ' કરવા માટે યુવા ભાજપના કાર્યકરોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો આ પ્રકારનો પ્રથમ પ્રયોગ કરનાર જિલ્લો બન્યો છે, જ્યાં યુવા કાર્યકરો સીધા જ વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જઈને કમાન્ડ સંભાળશે. આ અભિયાન હેઠળ, યુવા કાર્યકરો આ 329 મથકો પર મતદારો સાથે સીધો સંવાદ કરશે. તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરે-ઘરે પહોંચાડશે અને કોંગ્રેસ તરફી ઝુકાવ ધરાવતા મતદારોને ભાજપ તરફ વાળવા સઘન પ્રયાસો કરશે. વલસાડ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ કેવિન પટેલે જણાવ્યું હતું કે, "ગયા વખતની ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ અમને જણાયું કે અમુક બૂથો પર ભાજપ પાછળ રહે છે. આ 'C' અને 'D' કેટેગરીના બૂથો પર યુવા મોરચાના કાર્યકરો પ્રવાસ કરશે અને ત્યાં પક્ષને મજબૂત બનાવશે." ભાજપના આ માસ્ટર પ્લાન મુજબ, દરેક કાર્યકરને 3 થી 4 બૂથની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યકરો જે-તે વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધર્મગુરુઓ સાથે મુલાકાત કરશે, સ્થાનિક પ્રશ્નો સમજશે અને સરકારની યોજનાઓનો પ્રચાર કરશે. આ વ્યૂહરચના દ્વારા ભાજપ આગામી ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં એકતરફી જીત મેળવવાની આશા રાખી રહ્યું છે.
Read Original Article →