ખડગેના નિવેદનથી ગુજરાતમાં રોષ:વલસાડમાં ભાજપના મૌન ધરણાં, માફીની માંગ

Gujarat4/8/2026, 3:24:13 PM
ખડગેના નિવેદનથી ગુજરાતમાં રોષ:વલસાડમાં ભાજપના મૌન ધરણાં, માફીની માંગ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ અને મૂર્ખ' ગણાવતા ભાજપ આક્રમક બન્યું છે. આ નિવેદનના વિરોધમાં વલસાડના આઝાદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વલસાડ ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આઝાદ ચોક ખાતે એકઠા થયા હતા. તેમણે હાથમાં 'અમે ગુજરાતીઓ અભણ નથી', 'ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે' અને 'ખડગે માફી માંગે' જેવા લખાણવાળા પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે અને રાજ્યની જનતા આ અપમાન ક્યારેય સહન નહીં કરે. તેમણે કોંગ્રેસ પાસે બિનશરતી માફીની માંગ કરી હતી. આ પ્રસંગે ભાજપ અગ્રણી રાજા ભાનુશાલીએ જણાવ્યું હતું કે, "ખડગેજીએ ગુજરાતીઓને અભણ કહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ એ જ ગુજરાત છે જેણે અદાણી અને ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દેશને આપ્યા છે. ગુજરાતીઓ હંમેશા હોશિયાર રહ્યા છે." તેમણે ચેતવણી આપી હતી કે જો માફી નહીં મંગાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Read Original Article →