વલસાડના અતુલમાં મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળતા હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ

Gujarat5/16/2026, 3:28:12 PM
વલસાડના અતુલમાં મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળતા હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ
વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક એક ખુલ્લી વાડીમાંથી અજાણી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. મહિલાના હાથ-પગ બાંધેલી હાલતમાં હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ, અતુલ રેલવે સ્ટેશન પાસે આવેલી વાડીમાંથી સ્થાનિકોને અસહ્ય દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ સંપૂર્ણપણે વિકૃત થઈ ગઈ હોવાથી આ હત્યા આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં કરવામાં આવી હોવાનું અનુમાન છે. પોલીસનું અનુમાન છે કે, કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાની અન્ય કોઈ જગ્યાએ હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને અહીં ફેંકી દીધી હશે. મૃતદેહના હાથ-પગ બાંધેલી હાલતમાં હોવાથી હત્યાની શંકા વધુ પ્રબળ બની છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, ડીવાયએસપી એ કે વર્મા, રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ગડ્ડું તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) PI એ યુ રોઝ સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોવાથી પોલીસ માટે આ એક મોટો પડકાર બન્યો છે. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. એસપી યુવરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હાલ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને ગુમ થયેલી મહિલાઓની વિગતો ચકાસી રહી છે જેથી વહેલી તકે મહિલાની ઓળખ થઈ શકે અને હત્યારાઓ સુધી પહોંચી શકાય.
Read Original Article →