અતુલ હાઈવે પર ડમ્પરની અડફેટે રાહદારીનું મોત:અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
વલસાડ તાલુકાના અતુલ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર મંગળવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મુંબઈ તરફ જઈ રહેલા એક અજાણ્યા ડમ્પર ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અતુલ ગામ નજીક નેશનલ હાઇવે પર એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મુંબઈ તરફ પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વિના વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, 112 ટીમ તેમજ વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસે અતુલ અને આસપાસના વિસ્તારોના અગ્રણીઓને મૃતકનો ફોટોગ્રાફ મોકલી તેના વાલી-વારસોની શોધખોળ શરૂ કરી છે. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ફરાર ડમ્પર અને તેના ચાલકને શોધવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
Read Original Article →