પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી લઈ ગયો:અભયમ્ ટીમે કાઉન્સેલિંગથી માતાને સંતાન પરત અપાવ્યું

Gujarat4/13/2026, 6:58:55 AM
પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી લઈ ગયો:અભયમ્ ટીમે કાઉન્સેલિંગથી માતાને સંતાન પરત અપાવ્યું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઘરકંકાસના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો. 181 અભયમ્ ટીમના હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગ બાદ માતાને તેની દીકરી પરત મળતા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત મહિલા છેલ્લા કેટલાક સમયથી પોતાની દોઢ વર્ષની દીકરી સાથે પિયર ખાતે રહેતી હતી. આ દરમિયાન તેનો પતિ પિયર આવ્યો અને ઝઘડો કરી દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા દીકરીને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ મહિલાએ 181 અભયમ્ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. કોલ મળતા જ 181 અભયમ્ વલસાડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલાની વિગત મેળવી. મહિલાએ ટીમને જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 2023માં થયા હતા અને પતિ નાની-મોટી બાબતોમાં વારંવાર ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે તે છેલ્લા 15 દિવસથી પિયર ખાતે રહેવા ગઈ હતી. ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે પંચાયત બેસાડવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારબાદ અભયમ્ ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને મળવાની કાયદાકીય જોગવાઈ અંગે સમજ આપી. ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે પત્ની અને બાળકની યોગ્ય સંભાળ રાખવી તેની જવાબદારી છે અને ભવિષ્યમાં આવા વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. મહિલાએ હાલ થોડા દિવસ પિયર ખાતે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિએ અંતે દીકરીને માતાને સોંપી દીધી હતી. દીકરી પરત મળતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો અને 181 અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →