પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જીવનજરૂરી ચીજો મોંઘી:વલસાડ 'આપ' દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

Gujarat5/21/2026, 11:54:43 AM
પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જીવનજરૂરી ચીજો મોંઘી:વલસાડ 'આપ' દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, જેની સીધી અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે. ઇંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે, જેના કારણે દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી બની છે. આ મોંઘવારીના માર સામે જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગાવિતની આગેવાની હેઠળ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ રજૂઆત કરી હતી. 'આપ'ના નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આના પરિણામે શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. આવેદનપત્રમાં સરકારે પેટ્રોલિયમ પેદાશો પરના ટેક્સમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સને રાહત મળી શકે. જો સરકાર દ્વારા આ દિશામાં વહેલી તકે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં જિલ્લા મથકે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →