વલસાડમાં ફોર્મ ચકાસણી દિવસે રાજકીય ગરમાવો:આમ આદમી પાર્ટીના ઉમેદવારનું અપહરણ થયાનો આક્ષેપ, પોલીસ મથકે દોડધામ

Gujarat4/13/2026, 12:51:15 PM
વલસાડમાં ફોર્મ ચકાસણી દિવસે રાજકીય ગરમાવો:આમ આદમી પાર્ટીના ઉમેદવારનું અપહરણ થયાનો આક્ષેપ, પોલીસ મથકે દોડધામ
વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના એક ઉમેદવારનું અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે વલસાડના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠક પરથી રોલા ગામના ભીખુભાઈ સુમનભાઈ પટેલે 'આપ' તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભીખુભાઈ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં હાજર હતા. તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમને પોતાની સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભીખુભાઈનું અપહરણ કરીને તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ભાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, રોલા ગામના જ કોઈ વ્યક્તિ તેમને 'સમજાવટ' (દબાણ) માટે લઈ ગયા છે. હાલમાં ઉમેદવારનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. આ ઘટનાને પગલે 'આપ'ના કાર્યકરો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. 'આપ'ના આગેવાનોએ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મુલાકાત કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચૂંટણી ટાણે જ ઉમેદવારના કથિત અપહરણની વાત વહેતી થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ કૃત્ય ખરેખર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Read Original Article →