વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

Gujarat4/11/2026, 5:10:18 AM
વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
વાપી શહેરમાં સાયબર ગુનાઓ સામે વાપી ટાઉન પોલીસે એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વડોદરાના મુખ્ય આરોપી કરણ રામકનૈયાલાલ ભાષાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે તેની બે અલગ-અલગ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. કોર્ટે નોંધ્યું કે જો આરોપી બહાર રહેશે તો તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખીને, એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ મહત્વનો હુકમ સંભળાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરણ ભાષાણી, સહ-આરોપી ફરહાન સલીમ ઘાંચી અને ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખ સાથે મળીને સાયબર ઠગાઈનું એક ગોઠવણબદ્ધ રેકેટ ચલાવતા હતા. આરોપીઓ ફ્રોડથી મળેલા નાણાંને સગેવગે કરવા માટે 'મ્યુલ બેંક એકાઉન્ટ'નો ઉપયોગ કરતા હતા. આ માટે, તેઓ અન્ય લોકોને તેમના બેંક ખાતા ભાડે આપવા માટે 1 થી 3 ટકા સુધીના કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલા પૈસા જમા કરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરણ ભાષાણીએ સહ-આરોપીના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં કુલ રૂ. 5.15 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ રોકડમાં ઉપાડીને વાપીની એક આંગડિયા પેઢી મારફતે વડોદરા મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન કોલ ડિટેલ રેકોર્ડ (CDR)માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અને સહ-આરોપી વચ્ચે 500થી વધુ વાર ફોન પર વાતચીત થયેલી હોવાનું બહાર આવ્યું છે, જે તેમની સંડોવણીને વધુ મજબૂત બનાવે છે. સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તથા આઈટી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જો જામીન આપવામાં આવશે તો આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે અથવા ફરાર થઈ શકે તેવી શક્યતા છે. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને જણાવ્યું કે સાયબર ક્રાઈમ સમાજ અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો છે. તેથી, તપાસના હિતમાં આરોપીને આગોતરા જામીન આપવું યોગ્ય નથી.
Read Original Article →